23, જુલાઈ 2025
3069 |
નવી દિલ્હી, ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ એગ્રિમેન્ટને ગઈકાલે મંગળવારે ભારતીય કેબિનટે દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર દિવસીય વિદેશ યાત્રા દરમિયાન ૨૪ જુલાઈના રોજ લંડનમાં આ ડીલ પર હસ્તાક્ષર કરશે. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદી પહેલાં યુકે અને બાદમાં માલદીવ જશે. તેમની સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે. આ કરાર સત્તાવાર રૂપે કમ્પ્રેસિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (સીઇટીએ) તરીકે ઓળખાય છે. તેનો ઉદ્દેશ ૨૦૩૦ સુધી ભારત-યુકે વેપારને બમણો કરી ૧૨૦ અબજ ડોલરે પહોંચાડવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે બ્રિટનના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. આ તેમની બ્રિટનની ચોથી મુલાકાત છે. તેઓ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરના આમંત્રણ પર અહીં જઈ રહ્યા છે. આ પછી, તેઓ ૨ દિવસ માટે માલદીવની મુલાકાત લેશે. કીર સ્ટારમર વડાપ્રધાન બન્યા પછી મોદીનો આ પહેલો બ્રિટન પ્રવાસ છે. પીએમ બ્રિટિશ રાજા કિંગ ચાર્લ્સને પણ મળશે
ડીલથી કઈ વસ્તુઓ સસ્તી થઈ શકેે
• કાર : જગુઆર લેન્ડ રોવર જેવી બ્રિટિશ લક્ઝરી કાર હવે સસ્તા ભાવે મળી શકશે.
• સ્કોચ વ્હિસ્કી અને વાઇન: ઇંગ્લેન્ડથી આવતાં દારૂ અને વાઇન પરના ટેરિફ ઘટાડવામાં આવશે, જેનાથી તે પહેલા કરતા સસ્તો થશે.
• ફેશન અને કપડાં: યુકેના બ્રાન્ડેડ કપડાં, ફેશન ઉત્પાદનો અને ઘરવખરીના વાસણો પણ સસ્તા થઈ શકે છે.
• ફર્નિચર અને ઇલેક્ટ્રિકલ સામાન: યુકેથી આયાત થતાં ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક મશીનરી હવે ઓછા ભાવે મળશે.
• ઝવેરાત અને રત્નો: ભારતીય રત્નો અને ઝવેરાત યુકેમાં સસ્તા વેચાશે, જેના કારણે યુકેમાં ભારતીય ગ્રાહકો માટે પ્રોડક્ટ્સ સસ્તી થઈ શકે છે.
.
મુક્ત વેપાર કરારનો અર્થ શું છે?
મુક્ત વેપાર કરારનો અર્થ એ છે કે બે દેશો વચ્ચે ટેરિફ અથવા કસ્ટમ ડ્યુટી ઘટાડવી અથવા દૂર કરવી જેથી માલની ખરીદી અને વેચાણ સરળ બને. આનાથી વેપાર વધે છે અને બંને દેશોના ઉત્પાદનો એકબીજાના બજારોમાં સસ્તા ભાવે ઉપલબ્ધ થાય છે. ભારત-યુકે કરાર હેઠળ ભારતને યુકેમાં થતી તેની ૯૯ ટકા નિકાસ વસ્તુઓ પર કરમુક્ત નિકાસનો અધિકાર મળશે. તે જ સમયે, ભારત યુકેથી આવતા ૯૦ ટકા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. આનો અર્થ એ થયો કે યુકેથી આવતી ઇલેક્ટ્રોનિક્સ, કપડાં અને ઘરેણાં જેવી ઘણી વસ્તુઓ સસ્તી હોઈ શકે છે. ભારતમાંથી યુકે જતાં કપડા, ઝવેરાત, કાપડ અને દરિયાઈ ઉત્પાદનો માટે નવા બજારો પણ ખુલી શકે છે.
ફ્રી ટ્રેડ ડીલમાં કોને કેટલો ફાયદો થશે
ભારત-યુકે ફ્રી ટ્રેડ ડીલ અંતર્ગત ભારતમાંથી ચામડું, જુતા, અને વસ્ત્રો જેવા શ્રમ-પ્રધાન પ્રોડક્ટ્સની નિકાસ પર લાગુ ટેક્સનો બોજાે દૂર થશે. યુકેમાંથી વ્હિસ્કી, કારની આયાત પર ડ્યુટીમાં ઘટાડો થશે. આ કરારમાં સેવાઓ, ઈનોવેશન, બૌદ્ધિક સંપદા અધિકારો અને સરકારી ખરીદી જેવા વિષયોને પણ આવરી લેવામાં આવ્યા છે, જેના પર બંને દેશોના વાણિજ્ય મંત્રીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવશે. બાદમાં યુકે સંસદની મંજૂરી પછી અમલમાં આવશે.
ભારત-યુકે મુક્ત વેપારકરારની મુખ્ય બાબતો પણ જાણી લો
• ભારતની મુખ્ય માગણીઓમાંની એક, ડબલ યોગદાન સંમેલન કરાર, એ સુનિશ્ચિત કરશે કે બંને દેશના વ્યાવસાયિકોને બંને દેશોમાં રાષ્ટ્રીય વીમા અથવા સામાજિક સુરક્ષા યોગદાન ચૂકવવાની ફરજ પાડવામાં ન આવે.
• કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તે યુકેમાં કામચલાઉ વર્ક વિઝા પર ભારતીય કર્મચારીઓને ત્રણ વર્ષ માટે સામાજિક સુરક્ષા યોગદાન આપવાથી મુક્તિ આપશે. આનાથી તેમના પગારના લગભગ ૨૦% ની બચત થશે અને એકલા ૈં્ ક્ષેત્રના ૬૦,૦૦૦ થી વધુ કર્મચારીઓને ફાયદો થવાની અપેક્ષા છે, એમ તેમાં જણાવાયું છે.
• કરાર મુજબ, ભારત યુકે વ્હિસ્કી અને જિન પર ડ્યુટી ૧૫૦% થી ઘટાડીને ૭૫% અને સોદાના ૧૦મા વર્ષમાં ૪૦% કરશે. ઓટોમોટિવ ઉત્પાદનો પરનો ટેરિફ હાલમાં ૧૦૦% થી ઘટીને ૧૦% થશે, જે ક્વોટાને આધીન રહેશે.
• વધુમાં, ભારતને લગભગ ૯૯% ટેરિફ લાઇન (અથવા ઉત્પાદન શ્રેણીઓ) પર ટેરિફ નાબૂદીથી ફાયદો થશે જે લગભગ ૧૦૦% વેપાર મૂલ્યને આવરી લે છે અને ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં વધારો કરવા માટે વિશાળ તકો પ્રદાન કરશે.