24, જુલાઈ 2025
3168 |
નવી દિલ્હી, ભારત અને બ્રિટન વચ્ચેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) ને ગુરુવારે ઔપચારિક મંજૂરી આપવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની હાજરીમાં તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક કરાર બંને દેશોના અર્થતંત્ર અને વિવિધ ઉદ્યોગો માટે વ્યાપક ફાયદાઓ લઈને આવશે.
આ ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ, બ્રિટન ૯૯ ટકા ભારતીય ઉત્પાદનો અને સેવાઓ પર ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરશે. જ્યારે ભારત દ્વારા બ્રિટનના ૯૦ ટકા ઉત્પાદનો પર ટેરિફ ન્યૂનતમ સ્તરે લાવવામાં આવશે. ખાસ કરીને, ભારત બ્રિટનની પ્રખ્યાત સ્કોચ વ્હિસ્કી પરનો ટેરિફ ૧૫૦ ટકાથી ઘટાડીને ૯૦ ટકા કરશે, અને આગામી ૧૦ વર્ષમાં તેને ૪૦ ટકા સુધી લાવવામાં આવશે. આ ઉપરાંત, બ્રિટિશ કાર, ચોકલેટ અને બિસ્કિટ જેવા ખાદ્ય ઉત્પાદનો પર પણ ટેરિફ ઘટશે. બીજી તરફ, બ્રિટન ભારતના ફૂટવેર, કાપડ, રત્નો અને ઝવેરાત, મશીનરી-એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સ પરની આયાત ડ્યુટી શૂન્ય અથવા ન્યૂનતમ સ્તરે લાવશે. નિષ્ણાતોના મતે, બ્રિટન ભારતના ફળો, શાકભાજી અને મસાલા પરના ટેરિફ પણ સમાપ્ત કરશે.
આ કરારથી ભારતના અનેક ઉદ્યોગોને સસ્તું બજાર મળશે. ખાસ કરીને, આગ્રા-કાનપુરના ચામડા ઉદ્યોગ, સુરત-લુધિયાણા-વારાણસીના કાપડ ઉદ્યોગ અને સુરત-મુંબઈના રત્ન-ઝવેરાત ઉદ્યોગને મોટો ફાયદો થશે. ભારત યુકેના બજારમાં ઓછા ખર્ચે પોતાના ઉત્પાદનો વેચી શકશે અને કાપડ ઉદ્યોગ ક્ષેત્રમાં બાંગ્લાદેશ-વિયેતનામ જેવા દેશો સાથે વધુ સારી રીતે સ્પર્ધા કરી શકશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આ કરાર ભારતના યુવાનો, ખેડૂતો અને માછીમારો માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, અને ભારતીય કાપડ, દરિયાઈ અને કૃષિ ઉત્પાદનો તેમજ ફૂટવેર માટે યુકેના બજારમાં નવી તકો ઊભી થશે.
ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ (હ્લ્છ) શું છે?
ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ એટલે ‘મુક્ત વેપાર કરાર’, જે બે દેશો વચ્ચેના વેપારને સરળ બનાવવા માટે કરવામાં આવે છે. આ કરાર હેઠળ બંને દેશો એકબીજાના ઉત્પાદનો પર લાગતી ઇમ્પોર્ટ ડ્યૂટી, ટેરિફ અથવા ટેક્સને ઘટાડે છે અથવા સંપૂર્ણપણે નાબૂદ કરે છે. ભારત અને યુકે વચ્ચે એફટીએને લઈને ત્રણ વર્ષથી વાટાઘાટો ચાલી રહી હતી. વડાપ્રધાન મોદીની કેબિનેટે બુધવારે (૨૩ જુલાઈ) આ કરારને મંજૂરી આપી હતી. હવે હસ્તાક્ષર બાદ બ્રિટિશ સાંસદની મંજૂરી મળ્યા પછી જ તે લાગુ પડશે.
ભારતમાં કઈ કઇ વસ્તુઓ સસ્તી થશે?
ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, મરીન પ્રોડક્ટ્સ, સ્ટીલ અને મેટલ, સ્કોચ વ્હિસ્કી અને જિન, જ્વેલરી, નિસાન, ટોયોટાથી લઈને રોલ્સરોયસ, જેગુઆર, લેન્ડરોવર જેવી લક્ઝરી કાર, બ્રાન્ડેડ કોસ્મેટિકનો સામાન, ચોકલેટ અને બિસ્કિટ
કપડાં, ચામડાં, રત્ન-આભૂષણ ઉદ્યોગને લાભ મળશે : મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ટ્રેડ ડીલના કારણે ભારતના કપડાં ઉદ્યોગ, ચામડા ઉદ્યોગ, રત્ન-આભૂષણ ઉદ્યોગ અને કૃષિ-દરિયાઈ પ્રોડક્ટ્સના ઉદ્યોગને સીધો લાભ મળશે. જેના પરિણામે હજારોની સંખ્યામાં રોજગાર પેદા થશે અને રોકાણમાં વૃદ્ધિ થશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે બ્રિટન પોતાની છ યુનિવર્સિટીના કેમ્પસ ભારતમાં ખોલશે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ કરારને નોકરી અને આર્થિક વિકાસ માટેની મોટી જીત ગણાવી હતી.
૬ અબજ પાઉન્ડનું રોકાણ, હજારો રોજગારીનું સર્જન થશે : સ્ટાર્મર
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું કે, આ કરારથી બંને દેશો વચ્ચે વેપાર વધશે અને સ્કોટલેન્ડના વ્હિસ્કી ઉદ્યોગને ઘણો ફાયદો થશે. તેમણે ૬ અબજ પાઉન્ડનું નવું રોકાણ અને હજારો નોકરીઓનું સર્જન થવાની પણ અપેક્ષા વ્યક્ત કરી. તેમના મતે, રમતગમતના સામાન, મશીનરી, કપડાં-જૂતા (કોલ્હાપુરી ચંપલ સહિત) અને સોના-ચાંદીના ઘરેણાંમાં કામ કરતા કારીગરોને પણ આનાથી લાભ થશે.