થાઈલેન્ડ બોર્ડર પર યુદ્ધ યથાવત્, મૃતકાંક 27 થયો, કમ્બોડિયાએ સીઝફાયરની માંગ કરી
26, જુલાઈ 2025 કમ્બોડિયા   |   2178   |  

થાઈલેન્ડે ત્રીજા પક્ષની મધ્યસ્થીને સ્પષ્ટપણે નકારી કાઢી

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ વધુને વધુ ખતરનાક બની રહ્યો છે. આ લડાઈમાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. કંબોડિયામાં 15 લોકો અને થાઈલેન્ડમાં 12 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે. બંને દેશોની લડાઈમાં ફાઈટર જેટ, તોપગોળા અને જમીની સેના પણ સામેલ છે. આ સંઘર્ષ વચ્ચે થાઈલેન્ડ બોર્ડર પર તણાવ સતત વધી રહ્યો છે.

ભીષણ સંઘર્ષની વચ્ચે કંબોડિયાએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક પછી તાત્કાલિક અને બિનશરતી સીઝફાયરની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં કંબોડિયાના રાજદૂત ચેયા કિયોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, 'કંબોડિયાએ તાત્કાલિક બિનશરતી યુદ્ધવિરામની વિનંતી કરી છે, અને અમે વિવાદના શાંતિપૂર્ણ નિરાકરણ માટે પણ હાકલ કરીએ છીએ.'

થાઈલેન્ડે આ વિવાદને ઉકેલવા માટે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થીને સ્પષ્ટપણે નકારી કાઢી છે અને તેના બદલે દ્વિપક્ષીય વાતચીત પર ભાર મૂક્યો છે.

કંબોડિયન સેનાએ ભારે હથિયારો, ફિલ્ડ આર્ટિલરી અને BM-21 રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરીને સતત બોમ્બમારો કર્યો છે. થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે સરહદના ચાર પ્રભાવિત પ્રાંતોના ગામડાઓમાંથી 58,000થી વધુ લોકો અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસી ગયા છે, જ્યારે કમ્બોડિયાના અધિકારીઓએ કહ્યું છે કે સરહદ નજીકના વિસ્તારોમાંથી 23,000થી વધુ લોકોએ સ્થળાંતર કર્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution