26, જુલાઈ 2025
નવી દિલ્હી |
3069 |
લદ્દાખના દ્રાસમાં કેન્દ્રીય મંત્રીઓ પહોંચ્યા, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી
કારગિલ વિજય દિવસના 26 વર્ષ પૂર્ણ થવા પર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે ત્રણેય સેનાના વડાઓ પણ ઉપસ્થિત હતા. રાજનાથ સિંહે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
કારગિલ વિજય દિવસના 26 વર્ષ પૂર્ણ થવા પર લદ્દાખના દ્રાસ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને સંજય સેઠે ભાગ લીધો હતો. મંત્રીઓએ 1999ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ પદયાત્રા કાઢવામાં આવી હતી.
5 મે 1999ના રોજ પાકિસ્તાનના ઘૂસણખોરી પછી, કારગિલના પર્વતીય વિસ્તારોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ લગભગ 84 દિવસ સુધી ચાલ્યું હતુ. 26 જુલાઈ 1999ના રોજ ભારતની જીત સાથે આ યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવ્યો. ભારતીય સૈનિકોના બલિદાન અને બહાદુરીની યાદમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે.
રક્ષામંત્રીએ કહ્યું હતુ કે, કારગિલ વિજય દિવસ પર, હું મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ દેશના સન્માનનું રક્ષણ કરવામાં અસાધારણ હિંમત, ધૈર્ય અને દૃઢ નિશ્ચય દર્શાવનારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. કારગિલ યુદ્ધ દરમિયાન તેમનું સર્વોચ્ચ બલિદાન આપણા સશસ્ત્ર દળોના અતૂટ સંકલ્પની કાયમી યાદ અપાવે છે. ભારત હંમેશા તેમની સેવાનું ઋણી રહેશે.