26, જુલાઈ 2025
માલે |
2673 |
ભારત અને માલદીવ્સ વચ્ચે મુક્ત વેપાર પર વાટાઘાટો શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં માલદીવ્સની મુલાકાતે છે. માલદીવ દ્વારા તેમને સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ માટે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી માલે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ સાથે વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.
મુઇજ્જુના કાર્યકાળ દરમિયાન કોઈપણ વિદેશી રાષ્ટ્રના વડાની આ પહેલી મુલાકાત છે. આ મુલાકાત બંને દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત, ભારતે વડાપ્રધાનની માલદીવ્સની મુલાકાત દરમિયાન નવા સમજૂતી કરાર હેઠળ માલદીવને 4,850 કરોડ રૂપિયાની લોન સહાય આપવામાં આવી છે.
આ સાથે ભારત અને માલદીવ્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. આ આર્થિક સહાય હેઠળ માલદીવ્સને વિકાસ પ્રોજેક્ટ્સ માટે જરૂરી નાણાકીય સંસાધનો પૂરા પાડવામાં આવશે. જેથી માલદીવ્સની આર્થિક સ્થિરતા અને વિકાસ દરમાં સુધારો થશે.
ભારત અને માલદીવ્સ વચ્ચે મુક્ત વેપાર કરાર પર પણ વાટાઘાટો શરૂ થઈ ચૂકી છે. આ સમજૌતા કરાર બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપશે, જેથી આર્થિક સહયોગ અને લાભદાયી ભાગીદારીને પ્રોત્સાહન મળશે. IMFTAના માધ્યમથી માલદીવના ઘણા ઉત્પાદનોને ભારતીય બજારમાં પ્રવેશ મળશે, જ્યારે ભારતીય ઉત્પાદનો માલદીવમાં વધુ સ્પર્ધાત્મક બનશે.
ભારતે માલદીવમાં 6 ઉચ્ચ-પ્રભાવશાળી સમુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સ પણ શરૂ કર્યા છે. ઉપરાંત, ભારત દ્વારા કુલ 72 સૈન્ય વાહનો અને અન્ય સાધનો પણ માલદીવ્સને સોંપ્યા હતા.