24, જુલાઈ 2025
નવી દિલ્હી |
3861 |
એફડીઆઈના નિયમોના ભંગ બદલ ફેમા હેઠળ પગલાં,રીટેલ વેપારને જથ્થાબંધ બતાવવા વેક્ટર ઇ-કોમર્સ નામની કંપની બનાવ્યાનો આરોપ
ફ્લિપકાર્ટ સમર્થિત ઇ કોમર્સ પ્લેટફોર્મ મિંત્રા, તેમની સંબધિત કંપનીઓ અને નિર્દેશકો વિરુદ્ધ ૧૬૫૪ કરોડ રૂપિયાથી વધુના કથિત એફડીઆઇ ભંગ માટે ફેમાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
સંઘીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ફરિયાદ તેમના બેંગાલુરુ ક્ષેત્રીય કાર્યાલય દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની કલમ ૧૬(૩) હેઠળ દાખલ કરવામાં આવી હતી. જેમાં માહિતી મળી હતી કે મિંત્રા ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ જેનું બ્રાન્ડ નામ મિંત્રા છે અને તેની સંબધિત કંપનીઓ હોલસેલ કેશ એન્ડ કેરીની આડમાં મલ્ટી બ્રાન્ડ રીટેલ વેપાર કરી રહી છે.
એજન્સીના જણાવ્યા અનુસાર આ કથિત રીતે વર્તમાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) દિશાનિર્દેશો અને ફેમાની જોગવાઇઓનો ભંગ છે.
ફેશન અને લાઇફ સ્ટાઇલ ઇ કોમર્સ પ્લેટફોર્મ બેંગાલુરુ સ્થિત મિંત્રાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપની દેશના તમામ અમલી કાયદાઓનું પાલન કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. જો કે અમને અધિકારીઓ પાસેથી સંબધિત ફરિયાદ અને સહાયક દસ્તાવેજોની નકલ મળી નથી આમ છતાં અમે કોઇ પણ સમયે તેમને સહકાર આપવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ.
એજન્સી અનુસાર કંપનીએ પોતાનો મોટા ભાગનો માલ વેક્ટર ઇ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડને વેચ્યો હતો જે અંતિમ ગ્રાહકને રીટેલ સ્વરૂપમાં માલ વેચતી હતી.