24, જુલાઈ 2025
ઈસ્લામાબાદ |
3663 |
શાહબાઝ શરીફે બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટ સાથેની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે અમારો દેશ તમામ પડતર મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે ભારત સાથે 'ગંભીર અને અર્થપૂર્ણ વાતચીત' કરવા માટે તૈયાર છે. શાહબાઝ શરીફે બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટ સાથેની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી, જેમણે ઈસ્લામાબાદમાં વડાપ્રધાનના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.
આ વિગતો સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો તેમજ દક્ષિણ એશિયા અને પશ્ચિમ એશિયામાં પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. નિવેદન અનુસાર, 'પાકિસ્તાની પીએમએ પાકિસ્તાન-ભારતના ઘર્ષણદરમિયાન તણાવ ઘટાડવામાં બ્રિટનની ભૂમિકાની પ્રશંસા કરી અને કહ્યું કે પાકિસ્તાન તમામ પડતર મુદ્દાઓ પર ભારત સાથે ગંભીર અને અર્થપૂર્ણ વાટાઘાટો માટે તૈયાર છે.'
ભારતે પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાઓથી ચાર દિવસ સુધી ભારે અથડામણ થઈ હતી, જે 10 મેના રોજ સૈન્ય કાર્યવાહી બંધ કરવાના પરસ્પર કરાર સાથે સમાપ્ત થઈ હતી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ફક્ત પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને પરત કરવા અને આતંકવાદના મુદ્દા પર જ વાતચીત કરશે.