હવે દૂતાવાસ પણ નકલી : ભેજાબાજ હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત !
24, જુલાઈ 2025 ગાઝિયાબાદ   |   5544   |  

એમબીએ ભણેલા ગુનેગારના પિતા ઉદ્યોગપતિ હતા, - આરોપી અગાઉ ચંદ્રાસ્વામીના બેનામી વ્યવહારો સંભાળતો હતો

દિલ્હી નજિકના ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસનો પર્દાફાશ થયો છે. ગાઝિયાબાદમાં હર્ષવર્ધન જૈન નામની વ્યક્તિએ નકલી દૂતાવાસ ખોલ્યો હતો. આરોપી પોતાને પશ્ચિમ આર્ટિકા, સેબોરગા, પૌલ્વિયા, લાડેનિયા જેવા નાના દેશોનો રાજદૂત બતાવતો હતો. તેણે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાથેના મોર્ફ કરેલા ફોટા પણ તેના દૂતાવાસમાં લગાવ્યા હતા.

નોએડા એસટીએફે કેટલીય ડિપ્લોમેટિક નંબર પ્લેટ લખેલી ગાડીઓ તેના નકલી દૂતાવાસની બહારથી જપ્ત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે હર્ષવર્ધન જૈને લંડનની કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સમાં એમબીએની ડિગ્રી મેળવી છે. તેની સાથે તેણે ગાઝિયાબાદની આઇટીએસ કોલેજમાં પણ એમબીએ કર્યુ છે.

હર્ષવર્ધનનું કૌટુંબિક બેકગ્રાઉન્ડ પણ પ્રભાવશાળી હતું. તેના પિતા એક સમયે જાણીતા ઉદ્યોગપતિ હતા અને રાજસ્થાનમાં માર્બલની ખાણના માલિક હતા. પણ તેના પિતાની મોતના પછી હર્ષવર્ધનને કારોબારમાં ખાસ્સુ નુકસાન થયું. આ દરમિયાન હર્ષવર્ધનની મુલાકાત ગાઝિયાબાદમાં ચંદ્રાસ્વામી સાથે થઈ.

ચંદ્રાસ્વામીએ હર્ષવર્ધનને લંડન મોકલ્યો. હર્ષવર્ધને અહીં ઘણી કંપનીઓ શરૂ કરી. તપાસ સંસ્થાઓના જણાવ્યા મુજબ ચંદ્રાસ્વામીએ તેમના બ્લેક મની છૂપાવવા માટે આ કંપનીઓ શરૂ કરાવી હતી. લંડનમાં હર્ષવર્ધનની મુલાકાત જાણીતા આર્મ્સ ડીલર અદનાન ખાશોગી સાથે થઈ. તેના પછી બંને જોડે મળીને કામ કરવા લાગ્યા. દુબઈમાં પણ હર્ષવર્ધને ઘણી કંપનીઓ સ્થાપિત કરી. ચંદ્રાસ્વામીના મોત પછી હર્ષવર્ધન ગાઝિયાબાદ પરત આવ્યો, પરંતુ હવે તેની આર્થિક સ્થિતિ બગડી ચૂકી હતી. નાણાની તંગી સાથે ઝૂઝતા હર્ષવર્ધને છેવટે નકલી એમ્બેસી ખોલી અને ઠગાઈ કરવા લાગ્યો. હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત બન્યો હતો. રીતસર ભાડાંના રૂપિયે લોકો પર ભૂરકી છાંટતો હતો.

યુપી એસટીએફ મુજબ હર્ષષવર્ધનનું મુખ્ય કામ વિદેશમાં નોકરીના નામે દલાલી, બનાવટી દસ્તાવેજો બનાવવા અને શેલ કંપનીઓના માધ્યમથી હવાલાના વ્યવહારો કરવાનું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution