અનિલ અંબાણીની ૫૦ કંપની પર ઇડીના દરોડા
24, જુલાઈ 2025 4455   |  


મુંબઈ,યસ બેંક સાથેના ૩૦૦૦ કરોડ રૂપિયાના લોન છેતરપિંડી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અનિલ અંબાણી તથા તેમની સાથે સંકળાયેલી ૫૦ કંપની-સેન્ટરો પર દરોડા પાડ્યા છે. ઇડીએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધિત ૩૫થી વધુ સ્થળ અને ૫૦ કંપની પર દરોડા પાડ્યા હતા. યસ બેંકમાંથી ૩૦૦૦ કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં આજે ૨૪ જુલાઈના રોજ આ દરોડા પાડવામાં આવ્યા હતા અને દિલ્હી અને મુંબઈમાં પણ આ દરોડા પાડી કાર્યવાહી ચાલી રહી છે.

ન્યૂઝ એજન્સી મુજબ, આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા નોંધાયેલી બે એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા અને નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (એનએફઆરએ) જેવી એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે. આ મામલો ૨૦૧૭ અને ૨૦૧૯ની વચ્ચે અનિલ અંબાણી સાથે જાેડાયેલી રિલાયન્સ ગ્રુપ કંપનીઓને યસ બેંકમાંથી આપવામાં આવેલી લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયાની લોન સાથે સંબંધિત છે. ઇડી દ્વારા કરવામાં આવેલી શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોન કથિત રીતે નકલી કંપનીઓ અને જૂથની અન્ય સંસ્થાઓને ડાઇવર્ટ કરવામાં આવી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે યસ બેંકના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપવામાં આવી હોઈ શકે છે.

ઇડીનો આક્ષેપ છે કે આ એક સુઆયોજિત પ્લાન હતો, જેના હેઠળ બેંકો, શેરધારકો, રોકાણકારો અને અન્ય જાહેર સંસ્થાઓને ખોટી માહિતી આપીને પૈસાની ઉચાપત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘણી ગેરરીતિઓ મળી આવી હતી, જેમ કે, નબળી અથવા વેરિફિકેશન વિનાની કંપનીઓને લોન આપવી, ઘણી કંપનીઓમાં એક જ ડિરેક્ટર અને સરનામાનો ઉપયોગ, લોન સંબંધિત જરૂરી દસ્તાવેજાેે ન હોવા, નકલી કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કરવા, જૂની લોનો ચૂકવવા માટે નવી લોન આપવાની પ્રક્રિયા (લોન એવરગ્રીનિંગ).

કેસમાં સીબીઆઈની ભૂમિકા શું છે? ઇડીની આ કાર્યવાહી સીબીઆઇ દ્વારા નોંધાયેલી બે એફઆઇઆર પર આધારિત છે, જેમાં મોટે પાયે નાણાકીય ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સેબી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા અને નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (એનએફઆરએ) જેવી એજન્સીઓ પાસેથી મળેલી માહિતીએ પણ તપાસને આગળ ધપાવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, દરોડાના સમાચાર પછી અનિલ અંબાણીની બે મોટી કંપની, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવરના શેર ૫% સુધી ઘટ્યા છે. થોડા દિવસ પહેલાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યાં હતાં. એસબીઆઇનું કહેવું છે કે આરકોમએ બેંક પાસેથી લીધેલી ૩૧,૫૮૦ કરોડ રૂપિયાની લોનનો દુરુપયોગ કર્યો હતો. આમાંથી લગભગ ૧૩,૬૬૭ કરોડ રૂપિયા અન્ય કંપનીઓની લોન ચૂકવવામાં ખર્ચવામાં આવ્યા હતા. ૧૨,૬૯૨ કરોડ રૂપિયા રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એસબીઆઇએ એમ પણ કહ્યું હતું કે, આ મામલે સીબીઆઇમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયામાં છીએ. અનિલ અંબાણી વિરુદ્ધ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) મુંબઈમાં વ્યક્તિગત નાદારીની કાર્યવાહી પણ ચાલી રહી છે.

અનિલ ૧૯૮૩માં રિલાયન્સમાં જાેડાયા, જૂન ૨૦૦૫માં ભાગ પડ્યા

મુકેશ અંબાણી ૧૯૮૧માં અને અનિલ અંબાણી ૧૯૮૩માં રિલાયન્સમાં જાેડાયા હતા. ધીરુભાઈ અંબાણીનું જુલાઈ ૨૦૦૨માં નિધન થયું. નવેમ્બર ૨૦૦૪માં બંને ભાઈઓ વચ્ચેનો વિવાદ સામે આવ્યો હતો. ત્યાર બાદ બિઝનેસનું વિભાજન જૂન ૨૦૦૫માં થયું હતું, પરંતુ કયા ભાઈને કઈ કંપની મળશે એ ર્નિણય ૨૦૦૬ સુધી ચાલુ રહ્યો. આઇસીઆઇસીઆઇ બેંકના તત્કાલીન ચેરમેન વી.કે. કામથને પણ આ વિભાજનમાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.ભાગ પડ્યા પછી મુકેશ અંબાણીના ભાગે પેટ્રોકેમિકલ્સ બિઝનેસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન પેટ્રોલિયમ કેમિકલ્સ કોર્પ લિમિટેડ, રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જેવી કંપનીઓ આવી હતી. નાના ભાઈ અનિલ પાસે આરકોમ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ એનર્જી, રિલાયન્સ નેચરલ રિસોર્સિસ જેવી કંપનીઓ હતી. આ પછી મુકેશના નેતૃત્વ હેઠળની કંપનીઓ સતત ગ્રો કરી રહી છે, જ્યારે અનિલના ભાગમાં આવેલી કંપનીઓની સ્થિતિ કથળી ગઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution