/
ભારતીય રેસલર વિનેશ ફોગાટનું એક વર્ષ પછી 'ગોલ્ડન કમબેક',ગોલ્ડ જીત્યો

યુક્રેન

દેશની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટે શાનદાર વાપસી કરતા યુક્રેનિયન રેસલર્સ અને કોચેસ મેમોરિયલની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતી હતી. ભારતની પુત્રીએ બેલારુસ કુસ્તીબાજ અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વનેસા કલાજીન્સકાયાને ૧૦-૮થી ટાઇટલ મેચમાં હરાવી હતી. મહિલા ૫૩ કિગ્રા વર્ગમાં પહેલાથી જ ટોક્યો ઓલિમ્પિક ટિકિટ મેળવી ચૂકેલી વિનેશે તે જ વર્ગમાં ગોલ્ડ જીતી. લોકડાઉન બાદ વિનેશ નવેમ્બર ૨૦૨૦ થી યુરોપમાં તાલીમ લઈ રહી હતી. વિશ્વની સાતમા નંબરની કુસ્તીબાજને હરાવવાનું તેના માટે એટલું સરળ નહોતું.

ફાઇનલમાં પહોંચતા પહેલા વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં અને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં મજબૂત રમત રમી હતી. એશિયન અને કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા ખેલાડીએ સેમિફાઇનલમાં રોમાનિયાની એના એ ને ૨-૦થી હરાવી હતી. કોરોના અને લોકડાઉનને કારણે વિનેશ રમતથી એક વર્ષ દૂર રહ્યા બાદ રિંગમાં ઉતરી હતી. હવે ફાઇનલ જીત્યા પછી ફોગાટ ૪-૭ માર્ચ દરમિયાન રોમમાં યોજાનારી આ સીઝનની પ્રથમ ક્રમાંકિત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.

વિનેશ ફોગાટને પણ કોરોનાથી ચેપ લાગ્યો હતો. રાષ્ટ્રીય રમત ગમત દિવસ નિમિત્તે તેમને ખેલ રત્ન એવોર્ડ મળ્યાના એક દિવસ પહેલા જ તેનો કોરોના પોઝિટિવ આવ્યો હતો.તેના પ્રારંભિક કોચ ઓ.પી. દહિયા પણ કોરોના પોઝિટિવ થયા હતાં. જેમને દ્રોણાચાર્ય એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણચંદ્રક વિજેતા ૨૬ વર્ષીય મહિલા રેસલરે ૧૮ મી એશિયન ગેમ્સની કુસ્તી સ્પર્ધાની ૫૦ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. તે સતત બે એશિયાડ મેડલ જીતનાર પ્રથમ મહિલા રેસલર બની હતી. ઇંશેઓન એશિયન ગેમ્સમાં વિનેશે બ્રોન્ઝ જીત્યો. આ ઉપરાંત તેણે ૨૦૧૮ એશિયન ચેમ્પિયનશીપમાં રજત અને ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution