10, એપ્રીલ 2025
ગાંધીનગર |
એક કિલો લીંબુનો ભાવ રૂા. ૧૬૦થી ૨૦૦
એક તરફ સરકાર દ્વારા રાંધણ ગેસના ભાવમાં રૂા. ૫૦ના વધારો કરાયો છે, જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઇ ગયા છે. ત્યારે બીજી તરફ શાકભાજીના વધી રહેલા ભાવના કારણે પણ મહિલાઓ ચિંતીત બની છે. ગુજરાતમાં મોંઘવારીનો માર પડી રહ્યો છે, ત્યારે શાકભાજી, લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. એક કિલો લીંબુના ભાવ રૂા. ૧૬૦થી ૨૦૦ સુધી જઇ રહ્યો છે.
ઉનાળામાં લીંબુનું શરબત સ્વાસ્થય માટે લાભદાયી
સામાન્ય રીતે ઉનાળામાં શાકભાજીના ભાવ વધતા હોય છે, પરંતુ આ વર્ષે ઉનાળાની ગરમીની શરૂઆત વહેલી થઇ છે, તેજ રીતે શાકભાજીના ભાવમાં વધારો પણ વહેલો અને ઝડપથી થઇ રહ્યો છે. જેમાં સૌથી પહેલા તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની મોસમમાં લીંબું શરબત સ્વાસ્થય માટે લાભદાયી મનાય છે. જેથી લીંબુનો ઉપાડ પણ વધારે હોય છે. જેની સામે લીંબુની આવક ઓછી હોવાથી ભાવ પણ આસમાને પહોંચે છે. ઉલ્લેખનીય છે કે, લીબુની સૌથી મોટો ખેતી ઉત્તર ગુજરાતમાં થાય છે.
એક લીંબુનો ભાવ ૧૦ રૂપિયાની આસપાસ
લીંબુના ભાવે ગૃહિણીઓની રસોઈમાં ફીકાશ નાખી દીધી છે. રૂા. ૧૬૦થી ૨૦૦ કિલો લીંબુ હાલ વેચાઈ રહ્યા છે. કેટલાક બજારોમાં તો લીંબુ રૂા. ૨૨૦ કિલો વેચાઈ રહ્યા છે. જરૂરિયાત વધતા હાલ એક લીંબુનો ભાવ રૂા. ૧૦ની આસપાસ થઈ ગયો છે. ગૃહિણીઓએ લીંબુના વિકલ્પ તરફ વળવું પડ્યું છે. બીજી તરફ શાકભાજીના ભાવ પણ તેજ ગતીએ વધી રહ્યા છે. ગવાર અને ટિંડોળા રૂા. ૧૨૦ તો ભીંડા રૂા. ૮૦ પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે ડુંગળી રૂા. ૪૦ પ્રતિ કિલો, પાલક અને મેથી રૂા. ૬૦ થી ૮૦, આદુ રૂા. ૮૦ જ્યારે લીલા મરચા રૂા. ૬૦, પરવલ રૂા. ૧૦૦, ફ્લાવર રૂા. ૮૦ અને સરગવો રૂા. ૮૦ના ભાવે વેંચાઇ રહ્યો છે.