લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ડિસેમ્બર 2025 |
વલસાડ |
3663
તપાસ હાથ ધરાઈ
વલસાડમાં નિર્માણાધીન બ્રિજ પર પાલખ તૂટી પડતાં પાંચ શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયા હતા જેના પગલે અફરાંતફરી મચી ગઇ હતી.વલસાડ શહેરના કૈલાશ રોડ પર ઔરંગા નદી ઉપર બનાવાઈ રહેલા નવા બ્રિજના કામ દરમિયાન બાંધવામાં આવેલા પાલખ (વાંસનું સ્ટ્રક્ચર) તૂટી પડવાની ઘટના આજે સવારે બની હતી. સવારે અંદાજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચે બાંધેલા ભાગે અચાનક સ્ટ્રક્ચર ધરાશાયી થતાં ત્યાં કાર્યરત પાંચ જેટલા શ્રમિકો નીચે દબાઈ ગયા હતા. ઘટનામાં તમામ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર વિભાગે કાટમાળમાંથી પાંચેય ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ઈજાઓની ગંભીરતા ધ્યાનમાં લઈ હોસ્પિટલમાં તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે.ઘટનાસ્થળે હજુ પણ ક્રેનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ સ્ટ્રક્ચર કેમ તૂટી પડ્યું તે અંગે તપાસ હાથ ધરાઈ છે. અધિકારીઓ દ્વારા નિર્માણ કામગીરીની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા શરૂ કરવામાં આવી છે.આ દુર્ઘટનાએ નિર્માણકાર્યની સલામતી અંગે ચિંતાઓ ઊભી કરી છે અને ઘટનાની સંપૂર્ણ તપાસ બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.