વડોદરા, તા.૨૧

ગાંધીનગર ખાતે શપથવિધિનો કાર્યક્રમ પૂર્ણ કરી પરત આવી રહેલા કરજણ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલની કારને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર આણંદ-નડિયાદ વચ્ચે નીલ ગાય આવી જતાં તેમની કાર સાથે અકસ્માત નડતાં ધારાસભ્ય સહિત કારમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જાે કે, કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ કારને ભારે નુકસાન થયું હતું.

ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળનાર હતું જેમાં રાજ્યના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા અને તમામ ધારાસભ્યોએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા. વિધાનસભા સત્રના બીજા દિવસે તમામ ધારાસભ્યો રવાના થયા હતા. જેમાં કરજણ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમના સાથીમિત્રો કાર મારફત વડોદરા-કરજણ આવી રહ્યા હતા, તે દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર આણંદ-નડિયાદ વચ્ચે અચાનક નીલ ગાય આવી જતાં પૂરઝડપે જઈ રહેલી કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં ધારાસભ્ય અક્ષય પટેલ સહિત તેમની સાથેના મિત્રોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જાે કે, કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઈજાગ્રસ્ત ધારાસભ્ય સહિતનાને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ધારાસભ્ય અક્ષય પટેલને હાથના ભાગે ફ્રેકચર થયું હતું. જ્યારે કારને નુકસાન થયું હતું. સામાન્ય રીતે એક્સપ્રેસ-વે પર કોઈપણ જનાવર રોડ વચ્ચે આવી ન શકે એ રીતે હાઈવે બનાવવામાં આવ્યો હોવા છતાં નીલ ગાય હાઈવે પર કેવી રીતે આવી ગઈ એ ચર્ચાનો વિષય બન્યો હતો.