લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ડિસેમ્બર 2025 |
વડોદરા |
792
એમડીને લખાયેલો પત્ર
જામનગરમાં જેટકો દ્વારા કરાયેલી એપ્રેન્ટીસ લાઈનમેનની ભરતીમાં થયેલી ગરબડ અંગે હોબાળો મચી ગયો છે,ગુજરાત એનર્જી એમ્પ્લોઈ ટેકનીકલ એસોસીયેશન (ગીતા)ના જનરલ સેક્રેટરી હસમુખ ચાવડાએ આ સંબંધમાં જેટકો એમડીને પત્ર લખી તપાસની માંગ કરતો પત્ર લખ્યો છે,પત્રમાં જણાવ્યું છે કે, એપ્રેન્ટીસ લાઈનમેન ભરતીના અહેવાલો મીડીયામાં આવ્યા છે જેના કારણે જેટકોની છબીને નુકશાન પહોંચ્યું છે,જેથી આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ અધિકારીઓ અને ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ સામે પોલીસ ફરિયાદ કરીને કડકમાં કડક પગલાં લઈને જેટકોમાં ઉદાહરણ બેસાડવા માટે પણ માંગ કરી છે, તેમણે પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, એપ્રેન્ટીસ લાઈન મેનની ભરતી જેટકોના જે જે સર્કલમાં થઇ હોય તેના છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડ મંગાવીને તપાસ કરવામાં આવે તો આવા કેટલાક કૌભાંડો સપાટી પર આવે તેવી સંભાવના છે.જેમાં જેટકોના કેટલાક અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી શકે તેમ છે એવું પણ પત્રમાં તેમણે જણાવ્યું છે. જામનગર સર્કલમાં એપ્રેન્ટીસ લાઈનમેનની ભરતીમાં ૩૫થી ૪૨ નામો બદલી નાંખવામાં આવ્યા હતા,જેમાં હથેળી ગરમ કરીને નામો ઉમેરવામાં આવ્યા હતા તેવો આરોપ મુકાયો હતો.આ અંગે વાત વધુ વકરતાં લાગવગથી પસંદ કરાયેલા તમામને ટર્મીનેટ કરી દેવામાં આવ્યા છે જ્યારે તેમના સ્થાને યોગ્ય ઉમેદવારોની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ગયા વરસે પગ અડાવવાની પ્રક્રિયામાં વિવાદ થતાં આખી ભરતી રદ કરાઈ હતી. જો કે પાછળથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.