લેખકઃ એકતા રવિ ભટ્ટ |
મહાકવિ કાલિદાસે પોતાના મહાકાવ્ય ‘મેઘદૂતમ‘માં લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપનો કોન્સેપ્ટ આપ્યો હતો. ચોમાસાના સમયે વિજાતિય આકર્ષણ અને અભાવની રજૂઆતને ખૂબ જ સેન્સ્યુઅલી અને સિડક્ટિવલી રજૂ કરવાનું સામર્થ્ય આપણા સંસ્કૃતના સાહિત્યકારો પાસે હતું. કાલિદાસ તેમાંના જ એક ઉત્તમ કવિ છે. શ્રુંગાર રસને પણ માદકતા સાથે રજૂ કરીને તેમણે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનને ચોટદાર બનાવ્યો હતો. યક્ષ પાસે ત્યારે સ્કાઈપ કે વોટ્સએપ કે પછી ફેસબુક નહોતું કે તે પોતાની પત્ની સાથે સીધો કોન્ટેક્ટ કરી શકે. તેણે મોનસૂન મેસેન્જરનો ઉપયોગ કર્યો હતો. વાદળોને દૂત બનાવીને પોતાનો સંદેશો મોકલ્યો હતો. યક્ષ પોતાની પત્નીનું વર્ણન કરે છે કે,
तन्वी श्यामा शिखरिदशना पक्वबिम्बाधरोष्ठी
मध्ये क्षामा चकितहरिणीप्रेक्षणा निम्ननाभिઃ।
श्रोणीभारादलसगमना स्तोकनम्रा स्तनाभ्यां
या तत्र स्याद्युवतिविषये सृष्टिराद्येव धातुઃ।।
કાલીદાસ દ્વારા આ વર્ણનમાં ભારોભાર સેન્યુઆલિટી, સેક્સ્યુઆલિટી, સિડક્ટિવનેસ અને રોમેન્ટિસિઝમ જે કહેવું હોય તે બધાનો ઉપયોગ કરાયો છે. આ માત્ર કાલિદાસની વાત નથી એક સમયે ગુજરાતીઓ અને ખાસ કરીને બૌદ્ધિક રીતે, વ્યાવહારિક રીતે અને કૂટનીતિમાં અવ્વલ ગણાતા નાગરબંધુઓ પણ વિદેશ જતાં અને બીજા રાજ્યોમાં જતાં હતાં. આ દરમિયાન તેમની પત્નીઓ અને પરિવારજનોની જે સ્થિતિ થતી તેનું પણ સાહિત્યમાં ઉત્તરોત્તર વર્ણન થયું જ છે.
હકિકતે, આધુનિક પેઢીમાં એક નવી જ સમસ્યાએ જન્મ લીધો છે. તેઓ દૂર રહી શકતા નથી અને સાથે રહેવામાં પણ સમસ્યા છે. સાથે રહેવાની સમસ્યાને ભુલી જઈએ તો પણ દૂર રહેવાની તકલીફો એક નવી જ સ્થિતિએ પહોંચી છે. આ પેઢી થોડી ઈમોશનલ અને થોડી ઈન્ટેલેક્ચ્યુઅલ છે. આ પેઢી સામે એક નવી જ સમસ્યા આવી છે. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપની. ખાસ કરીને કેરિયર બનાવવા માટે વિદેશ જતાં યુવાનો આ સમસ્યાથી વધારે પીડાઈ રહ્યા છે. વિદેશોમાં તો આ સમસ્યા પારાવાર છે પણ હવે ભારતમાં તેનો સારો એવો વિકાસ થયો છે. વિદેશ ભણવા જતા, કમાવા જતાં યુવાનો જ્યારે પોતાના વતન તરફ નજર કરે છે ત્યારે તેમને જીવનમાં મોટો ખાલીપો દેખાય છે. તેવી જ રીતે વતનમાં રહેતા માતા-પિતા અને મિત્રોને પણ એમ થાય છે કે, તેમના જીવનમાં પણ સતત કંઈક ખોટ વર્તાઈ રહી છે. માતા-પિતા અને મિત્રો સુધી આ વાત સિમિત રાખીએ તો ચાલે પણ જ્યારે પતિ કે પ્રેમી વિદેશ જતો હોય ત્યારે આ સમસ્યા વધારે વિકટ બને છે. આપણે તો વિદેશી વસ્તુ તરીકે તેને અહોભાવથી અપનાવી છે.
ખરેખર તો આપણા વિવિધ સાહિત્યમાં તેના વિશે સદીઓ પહેલાં લખાઈ ગયું છે. આ બધા વર્ણનો થકી આપણે લાગણી વ્યક્ત કરી શકીએ છીએ પણ સ્થિતિને પામી શકતા નથી. મેઘદૂતમાં રજૂ થયેલી લાગણી કદાચ રોમેન્ટિક ફેન્ટસી હોઈ શકે પણ જ્યારે વાસ્તવિક જીવનમાં વિદેશ રહેતા વિજાતિય પાત્રો વચ્ચે આ ફેન્ટસી ઊભી કરવાની આવે તો તે અશક્ય છે. સ્કાઈપ અને વોટ્સએપ કોલિંગ દ્વારા દરરોજ કલાકો વાત કરતા લોકોને સમયાંતરે તેનો પણ કંટાળો આવવા લાગે છે. માતા-પિતા હોય કે મિત્રો હોય તો તેઓ કદાચ સહન કરી લે પણ જ્યારે પત્ની અથવા પ્રેમિકાની વાત આવે ત્યારે આ સંબંધો જાળવવા અઘરાં બની જાય છે. વિજાતિય બાબતોમાં સૌથી મોટી મુશ્કેલી હોય છે ફિઝિકલ અનસેટિસ્ફેક્શન. તમે સેક્સ ચેટ કરી શકો, ફોન સેક્સ કરી શકો પણ સ્પર્શ સુખ ન મેળવી શકો. આ સંજાેગોમાં સંબંધો વધારે ફ્રેજાઈલ થતા હોય છે.
લોન્ગ ડિસ્ટન્સ રિલેશનમાં જાે તેનો અંત ન દેખાતો હોય તો વ્યક્તિ પોતાની જાતને નવા વાતાવરણમાં અનુકુળ કરતી જાય છે. શરૂઆતમાં જેનો અભાવ સાલતો હોય તેના વગર જ આપણે જીવતા થઈ જઈએ છીએ. ધીમે ધીમે સમગ્ર પરિવાર તે વ્યક્તિ વગર રહેવા ટેવાઈ ગયો હોય છે. અહીંયા એકબીજાના સુખ કરતાં એકબીજાની સલામતીના પ્રશ્નો વધારે મોટા હોય છે. બંને પાત્રોને સતત એવો ભય હોય છે કે, મારી ગેરહાજરીમાં કદાચ સામેની વ્યક્તિ બીજા કોઈ સંબંધમાં તો નહીં જાેડાઈ જાય ને. આમ જાેવા જઈએ તો વ્યક્તિને પોતાનું સુખ સંપૂર્ણ રીતે જીવવું જ હોય છે. આ ભાવના જ્યારે પ્રબળ બને ત્યારે લોન્ગ ડિસ્ટન્સ રિલેશન વધારે જાેખમમાં મૂકાય છે. આપણે ત્યારે જે મળ્યું તેનો આનંદ માણવા તૈયાર થઈ જઈએ છીએ. આપણે એ ભુલી જઈએ છીએ કે આપણે કમિટેડ રિલેશનશિપમાં છીએ. આજે નહીં ને બે-ચાર વર્ષે પણ એ વ્યક્તિ પાછી આવશે અથવા તો એ વ્યક્તિને મળવા જવાનું છે. તે સમયે જાે આપણા છાનગપતિયા ખુલ્લાં પડી ગયા તો કેટલું મોટું નુકસાન થઈ શકે છે. વ્યક્તિ જ્યારે જુદા જુદા ખંડમાં રહેતી હોય ત્યારે દિવસ-રાત, કામ કરવાની પદ્ધતિ, જીવનશૈલી બધામાં તફાવત હોય છે. ઘણી વખત દિવસો સુધી કોન્ટેક્ટ ન થાય, વાત ન થાય ત્યારે અસલામતીની ભાવના વધારે પ્રબળ બને છે. તેના કારણે જ વ્યક્તિ બીજા સંબંધોમાં ઢસડાઈ જતી હોય છે. ક્યારેક એવું પણ બને કે પોતે બીજા સંબંધોમાં વ્યસ્ત થઈ જનારી વ્યક્તિ એવું પણ માનવા લાગી હોય કે પેલો અથવા પેલી ત્યાં આવું જ કંઈક કરતા હશે. જે કમિટેડ છે તેની રાહ જાેયા વગર જે અવેઈલેબલ છે તેને માણવાની વૃત્તિ આવા સંબંધોને વેરવિખેર કરી નાખે છે.
આજની જનરેશન લોન્ગ ડિસ્ટન્સ રિલેશનને ખાળવા માટે આધુનિકતાનો ઉપયોગ કરે છે. સ્કાઈપ, કે વોટ્સએપ કોલિંગ દ્વારા સામેની વ્યક્તિને જાેઈને તેની સાથે વીડિયો ચેટિંગ કરી લે છે પણ તેના મનને પામી શકતી નથી. બીજી તરફ પોતાની લાગણીઓને પણ સાચી રીતે રજૂ કરી શકતી નથી. દૂર રહીને જીવાતી જિંદગી કરતાં જીરવાતી એકલતા વધારે જાેખમી હોય છે. અહીંયા કોઈ જાેનાર અને જાણનાર નથી પણ સમયે સમજી જનારા બધા છે. આ સ્થિતિ આવે તે પહેલાં ડિસ્ટન્ટ ઘટાડીએ અથવા તો તેમાંથી મુક્ત થઈ જઈએ. માતા-પિતા હશે તો કદાચ વધારે રાહ જાેઈ લેશે પણ પત્ની કે પ્રેમિકા હશે તો લાંબું ખેંચવું જાેખમી સાબિત થઈ જશે.
Loading ...