લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, જાન્યુઆરી 2026 |
3069
સુરત, પ્રધાનમંત્રી આવાસ, મુખ્યમંત્રી આવાસ યોજના અને પંડિત દિનદયાળ નગર યોજનામાં કોઈ પણ પ્રકારનાં ડ્રો વગર મકાન અને દુકાન અપાવવાની વાતમાં ફસાવી ૫૦ વ્યક્તિ પાસેથી ૬૦ લાખ રૂપિયા લઇ ભાગેલા ચીટરને ઇકો સેલે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. પાલનપુર જકાતનાકા પાસે સંત તુકારામ સોસાયટીમાં રહેતા નૈનેશ વિનોદભાઈ ચોટલીયા કડિયા કામ કરે છે. નૈનેશ હાર્ડવેરનાં ધંધા માટે ઉગત ભેસાણ રોડ, જહાંગીરાબાદ ખાતે દુકાનની શોધખોળ કરતો હતો. આ દરમિયાન જુલાઇ ૨૦૨૪માં સોસાયટીમાં રહેતા ભારતીબેન મારફત તેમની મુલાકાત મયંક સંજય મિશ્રા સાથે થઇ હતી. સુરત મનપામાં નોકરી કરતો હોવાનું જણાવી મિશ્રાએ કહ્યું હતું કે, સરકાર દ્વારા ઉગત ભેસાણ રોડ મેડીકલ કોલેજની બાજુમાં, પાલનપુર જકાતનાકા કેનાલ રોડ અને અમરોલી છાપરાભાઠા ખાતે સુમન સાધના આવાસ યોજનામાં ફ્લેટો તથા દુકાનો બનાવ્યા છે. આ યોજનામાં એક ડ્રો થઈ ગયો છે અને હજી બે ડ્રો કરવાના બાકી છે. જે બે ડ્રો કરવાની કામગીરી મારા હાથમાં છે. જાે તમે દુકાન કે ફ્લેટ લેવા માંગતા હોવ તો મને જણાવજાે. જેથી નૈનેશે જહાંગીરાબાદ ખાતે આવેલા પંડિત દિનદયાળ નગર વાળા આવાસમાં કોર્નરની બે દુકાન ખરીદવાની તૈયારી બતાવી હતી. જેથી મયંક મિશ્રાએ ઓળખ અને રહેઠાણના પુરાવા સાથે એડવાન્સ પેટે ૮૦,૦૦૦ રૂપિયા લીધા હતા. ત્યારબાદ મિશ્રાએ તમારા કોઇ માણસને દુકાન કે ફ્લેટ અપાવશો તો તમને છેલ્લા હપ્તામાં ફાયદો કરાવી આપીશ એમ કહી કમિશનની લાલચ આપી હતી. જેથી નૈનેશે આ મયંક મિશ્રા મારફત ૪૪ પરિચિત, મિત્રો પાસે ફ્લેટ અને દુકાન બુક કરાવડાવ્યા હતાં. તેઓ પાસે બે હપ્તા વસૂલ કર્યા બાદ મિશ્રાએ તેમના કોલ રીસીવ કરવાના બંધ કરી દીધા હતા. નૈનેશ ચોટલિયાને જાણવા મળ્યું કે, ધર્મેશ ગીરીશચંદ્ર ટંકારીયા, લાલબહાદુર રાજવંશી ચૌહાણ અમે રાજેન્દ્ર સુંદરદાસ પારવાની પાસેથી પણ રૂપિયા લઇ ફ્લેટ તથા દુકાનના બોગસ એલોટમેન્ટ લેટર પણ આપ્યા હતાં. આ રીતે મહાનગર પાલિકાના કર્મચારી તરીકે ૬૦.૨૧ લાખ રૂપિયા પડાવી ફરાર થઈ ગયેલા મયંક મિશ્રા સામે નૈનેશે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર કે. વી. બારીયાએ મયંક મિશ્રાને દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાંથી દબોચી લીધો હતો.
યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો હોવાનું જણાવીને કરોલબાગ પીજીમાં રહેતો હતો
મયંક મિશ્રા ખૂબ શાતીર દિમાગનો ક્રિમિનલ બની ચૂક્યો છે. બોગસ લાયસન્સ, માર્કશીટ અને એલસી બનાવવાનાં રેકેટમાં ઝડપાઈ ચૂકેલો મયંક આઠ મહિના જેલમાં રહ્યો હતો. ત્યારબાદ તેણે ૬૦ લાખનો વધું એક કાંડ કર્યો હતો. દુકાન મકાનના નામે ચીટીંગ કરી મયંક દિલ્હી ભાગી ગયો હતો. જ્યાં તેણે કરોલબાગ વિસ્તારની પીજીમાં આશરો લીધો હતો. મહિને ૧૦ હજાર ભાડેથી રહેતા મયંકે પોતે યુપીએસસીની તૈયારી કરતો હોવાની વાત ફેલાવી રાખી હતી. તે આખો દિવસ બહાર ફરવા સાથે વર્કઆઉટ પણ કરતો હોય તેની પર કોઈને શંકા ગઇ ન હતી. સુરત ઇકો સેલ તેને શોધતી કરોલબાગ પહોંચી ત્યારે તેની સાથે રહેતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યાં હતાં. સ્થાનિક વિદ્યાર્થીઓની મદદથી જ પોલીસ મયંકને પકડી શકી હતી.