દિલ્હી-

દેશના પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંતસિંહનું આજે (રવિવારે) સવારે અવસાન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. જસવંતસિંહ 82 વર્ષના હતા. તેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં પ્રધાન હતા. પીએમ નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત અનેક રાજકીય હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, 'જસવંતસિંહજીને રાજકારણ અને સમાજની બાબતોના તેમના અનોખા દૃષ્ટિકોણ માટે યાદ કરવામાં આવશે. તેમણે ભાજપને મજબૂત બનાવવામાં ફાળો આપ્યો હતો. હું અમારી વાતચીત હંમેશા યાદ રાખીશ. તેમના પરિવાર પ્રતિ હું સંવેદના વ્યક્ત કરું છુ.

વડા પ્રધાન મોદીએ બીજી ટવીટમાં લખ્યું કે, 'જસવંતસિંહજીએ સૈનિક તરીકે અને બાદમાં રાજકારણ સાથેના તેમના લાંબા જોડાણ દરમિયાન સખત મહેનત કરીને આપણા દેશની સેવા કરી. અટલજીની સરકાર દરમિયાન, તેમણે મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા અને નાણાં, સંરક્ષણ અને બાહ્ય બાબતોની દુનિયામાં મજબૂત છાપ છોડી દીધી. તેના અવસાનથી હું દુ:ખી છું.