ખનીજ વિભાગના અધિકારીઓ પર ખનીજચોરોનો હુમલો

સુરેન્દ્રનગર,તા.૧૪

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે, ત્યારે ખનીજ ચોરી અટકાવવાનો પ્રયાસ સતત હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાંથી કપચી, મુળી થાન પંથકમાંથી કોલસો સહિત રેતીની સતત ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અટકાવવા માટેનો પ્રયાસ સતત સુરેન્દ્રનગર ખાણ અને ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતો હોય છે. અને રેડ પણ કરવામાં આવતી હોય છે. પરંતુ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી તરફ ખાણ અને ખનીજ વિભાગના મુખ્ય અધિકારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે.

જેમાં ત્રણ અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે ઉપર ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ઓવરલોડ જે ડમ્પર ખનીજ ભરીને જતા હોય તેને ઉભા રાખી અને ચેક કરવામાં આવતા હતા. તે દરમિયાન અચાનક મામલો બિચક્યો હતો. અને ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી ઉપર પ્રથમ હુમલો કરાયો હતો. પથ્થર અને અન્ય પદાર્થથી હુમલો કરાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાડીના કાચ પણ તોડી પાડવામાં આવ્યા છે, અન્ય સ્પેરપાર્ટને પણ નુકસાન થયું છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ ખનીજ ચોરી ખુલ્લેઆમ રીતે થઈ રહી છે. ત્યારે ખનીજ માફીઆઓ સતત બેફામ બનતા જઈ રહ્યા છે. હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર પણ હુમલાઓ કરી રહ્યા છે. લીંબડી નજીક આ બનાવ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે જાણ થતા તપાસ કામગીરીનો દોર પણ યથાવત કરી દેવામાં આવ્યો છે. ત્યારે જિલ્લામાં ચાલતી ખનીજચોરી ઉપર ક્યારે રોક લાગશે ? તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે, હવે ખાણખનીજ વિભાગના અધિકારીઓ પણ કેટલા સુરક્ષિત છે ? પોતાની કામગીરી દરમિયાન કેટલી તે સુરક્ષા અનુભવી રહ્યા છે અને ભુમાફિયાઓ સામે તેમને ક્યારે રક્ષણ મળશે ? તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે.

એક મહિનામાં ૪ સ્થળોએ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલાના બનાવ બન્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે. હવે આ ખનીજચોરી ક્યારે અટકશે, તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે. ત્યારે એક મહિનામા ચાર સ્થળો ઉપર ખનીજ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ ઉપર હુમલો તેમજ ગેરવર્તનના બનાવ સામે આવ્યા છે. ખાસ કરીને આરટીઓ ઓફિસ નજીક આવેલી ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં થોડા સમય પહેલા ભૂમાફિયાઓ દ્વારા ખનીજ અધિકારીઓને જાન મારી નાખવાની ધમકી આપવામા આવી હતી. ત્યારબાદ આ મામલે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરાયો હતો. ત્યારે લીંબડી નજીક પણ આજે બનાવ બન્યો છે, ત્યારે એક મહિનામાં ચાર સ્થળોએ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર હુમલાઓ તથા ફરજ રૂકાવટ કરવામાં આવી છે.

લીંબડી નજીક ચેકપોસ્ટ ઉપર બબાલ સર્જાઈ

લીંબડી નજીક સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. જિલ્લામાં ખનીજચોરી અટકાવવાનો પ્રયાસ ખાણ ખનીજ વિભાગે હાથ ધરી છે. પરંતુ તેમ છતાં પણ જિલ્લામા ખનીજ ચોરી અટકી રહી નથી. ત્યારે લીંબડી નજીક ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી ખનીજ ભરેલી ગાડીઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. ત્રણ જેટલા અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. પથ્થરો તેમજ અન્ય પદાર્થોથી હુમલો કરવામાં આવ્યો છે. જાેકે આ મામલે તપાસનો દોર હાલની પરિસ્થિતિમાં યથાવત કરવામાં આવ્યો છે. ત્યારે ડમ્પર ચાલકો દ્વારા બેફામ રીતે ખનીજ ઓવરલોડ ભરવામાં આવ્યું હોય અને તેની વાતચીતમાં બબાલ થઈ હોય તેવું પ્રાથમિક કારણમાં સામે આવ્યું છે.

વિભાગની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું

લીંબડી નજીક ખાણ ખનીજ વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલી ચેક પોસ્ટ ઉપર ખનીજ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ ઉપર હુમલાના બનાવ બાદ તાત્કાલિકપણે તપાસનો દોરી યથાવત કરી દેવામાં આવ્યો છે. ખનીજની ગાડીને પણ તોડી પાડવામાં આવી છે. ગાડીના કાચ તેમજ અન્ય સ્પેરપાર્ટો ઉપર પણ પથ્થરથી હુમલો કરાયો છે અને તોડી પાડવામાં આવ્યા છે. આ મામલે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતની વસ્તુઓ મેળવવામાં આવી રહી છે અને તપાસનો દોર યથાવત કરવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, અવરલોડ ડમ્પર અને અન્ય વાહનો જે ભરેલા હતા, તેના ચેકિંગ દરમિયાન સામાન્ય બોલાચાલીમાં બિચકાયો હતો. અને ત્યારબાદ ખનીજ વિભાગના ત્રણ કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કરાયો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution