લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ડિસેમ્બર 2025 |
વડોદરા |
1683
૧૨૦૦થી વધુ પોલીસ જવાનો ફરજ પર રહેશે
આગામી ૧૧મી જાન્યુઆરીના રોજ વાઘોડિયા તાલુકાના કોટંબી ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ ટીમો વચ્ચે રમાનાર વન-ડે મેચ માટે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવશે પણ બંદોબસ્ત માટે બીસીએના સતાધીશોને ક્રમમાંકમ રૂા.૨૫ લાખથી વધુની રકમ ચુકવવી પડશે, કારણ કે ગુજરાત રાજયમાં વિવિધ મેચોના આયોજન દરમિયાન અંગે ગુજરાત હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં બંદોબસ્ત માટેની રકમ અને તેની શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જયાં સુધી કોંટંબીની મેચનો સવાલ છે ત્યાં સુધી ગયા વરસે ભારત અને વેસ્ટઇડિઝની મહિલા ટીમો વચ્ચેની એક દિવસીય મેચની શ્રેણી માટે અને વિમેન્સ પ્રીમીયર લીગની મેચો માટેના પોલીસ બંદોબસ્ત માટે બીસીએ દ્વારા મોટી રકમ ચુકવવામાં આવી હતી. રૂપિયા ૨૫ લાખની ફી સામે એક હજાર કરતાં વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત હોય છે. કોટંબીમાં પણ બંદોબસ્ત ૧૨૦૦ કરતાં વધુ પોલીસનો રહેશે તેવો અંદાજ છે. પોલીસે જણાવ્યું છે કે સરકારના પરિપત્ર મુજબ આગળ વધીશું. ગુજરાતના ગૃહ વિભાગ રાજયમા યોજાતી ક્રિકેટ સ્પર્ધાઓ દરમિયાન પોલીસ સુરક્ષા વ્યવસ્થા મેચના માટે ફી વસુલવાની નવી નિતી જાહેર કરી છે. આ નીતિ મુજબ હવે આઈસીસી અને બીસીસીઆઈ સહિત તમામ ક્રિકેટ મેચ આયોજકોને પોલીસ સુરક્ષા સેવાઓ બદલ નિશ્ચિત રકમ ચુકવવી પડશે. રાજયમાં જયારે ટેસ્ટ,વન-ડે અને ટી-૨૦ અને આઈપીએલ જેવી મોટી ક્રિકેટ મેચો દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ દળને તહેના કરવું પડે છે. અત્યાર સુધી સુરક્ષા વ્યવસ્થા માટે ફી વસુલવાની કોઈ સ્પષ્ટ નીતિની ન હતી એટલે સરકારનો કોઈ મેચના લીધે આવક થતી ન હતી.આ ખામી દૂર કરવા માટે ગૃહ વિભાગે નવી ફી સ્ટ્રકચર અમલમાં મુક્યું છે.ખાસ પ્રકારની ધમકી અને સંવેદનશીલ પરિસ્થિતીના કારણે વધારાની પોલીસ ફાળવવાનો સવાલ ઉભો થાય ત્યારે સુરક્ષા ખર્ચમા ૨૫ ટકાનો ટકાનો વધારો થઈ શકે છે, મેચ દરમિયાન ઉપયોગમાં લેવાંતા સ્કેનર, બેરેકિડસ, મેટલ ડિટેક્ટર જેવા સુરક્ષા સાધનો પોલીસ વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.