અરવલ્લી,તા.૨૦ 

અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે જીવણપુર નજીક આવેલી વિશ્રામ હોટલ આગળ પાર્ક કરેલી ટ્રકમાંથી રૂ.૧.૮૦ લાખના દારૂના જથ્થા સાથે બે શખ્શોને ઝડપી પાડ્યા હતા. શામળાજી પોલીસે એસજી વિદ્યાલય પાસેથી પસાર થતી ટ્રકમાંથી રૂ.૩.૩૬ લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. અરવલ્લી એલસીબી પીઆઇ આર.કે.પરમારે અને તેમની ટીમ સઘન પેટ્રોલિંગ દરમિયાન જીવણપુર સ્ટેન્ડ સામે આવેલી હોટલ આગળ પાર્ક કરેલી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા તાબડતોડ પહોંચી ટ્રકમાં તલાસી લેતા ટ્રકમાં આટાની બેગના જથ્થાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૩૬૦ કીં.રૂ.૧૮૦૦૦૦ મળી આવતા ટ્રકચાલક કમલેશ ગુર્જર તથા ક્લીનર સુભાષ ગુર્જર (બંને.રહે પુરોહિતની ધાણી-નવલગેટ, રાજસ્થાન) ને દબોચી લઈ આટાની બેગ, ટ્રક,મોબાઈલ મળી કુલ.રૂ.૮૬૭૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્શો સામે ગુનો નોંધ્યો હતો.શામળાજી પીએસઆઈ અનંત દેસાઈ અને સ્ટાફે રાજસ્થાન તરફ હાઈવે પર પેટ્રોલિંગ કરતા એસજી વિદ્યાલય પાસેથી રાજસ્થાન તરફથી આવતા ટ્રકને અટકાવી તલાસી લેતા પાવડરના કટ્‌ટાની પાછળથી વિદેશી દારૂની બોટલ ૮૭૬ તથા ક્વાંટરીયા નંગ-૨૪૫ મળી કુલ.રૂ.૩૩૬૪૮૦ના જથ્થા સાથે સુરેશલાલ ગુર્જર અને રમેશલાલ ગુર્જરને ઝડપી પાડી કુલ રૂ.૧૦૩૮૯૮૦નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા હતા.