વડોદરા, તા.૩

ખેડા સિરપકાંડનો મુખ્ય સૂત્રધાર નીતિન કોટવાણી પોલીસ ધરપકડથી બચવા માટે ફરાર થઈ ચુક્યો છે. એને પકડવા માટે માત્ર ખેડા પોલીસ જ નહીં પણ રાજકોટ અને વડોદરા પોલીસ પણ એટલી જ કાર્યરત છે. નીતિનને પકડવા માટે પોલીસે ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ભરપુર ઉપયોગ શરૂ કર્યો છે. કહેવાય છે કે, નીતિનનું પગેંરૂ વડોદરાના વારસિયા વિસ્તારમાં છે. વારસિયામાં જાે પોલીસ ‘પ્રેમથી’ તપાસ શરૂ કરે તો નીતિનનો આસાનીથી પત્તો મળી જાય એમ છે. હાલમાં પોલીસે એની દશરથની ફેક્ટરીના પૂર્વ કર્મચારીઓ અને એના નીકટના સંબંધીઓની તપાસ શરૂ કરી છે. વડોદરા પોલીસની એક ખાસ ટીમ નીતિનની તલાશમાં છે. હકીકતમાં નીતિન ખેડા પોલીસ માટે કે, રાજકોટ પોલીસ માટે નવો છે પણ વડોદરા પોલીસ એની રગેરગથી વાકેફ છે. નીતિને પોતાની ગુનાઈત કારકિર્દીની શરૂઆત જ વડોદરાથી કરી હતી. કોરોના કાળમાં નકલી સેનેટાઈઝર બનાવવાના કેસમાં તેની ધરપકડ કરાઈ હતી. જે તેના જીવનનો પહેલો કારાવાસ હતો. વડોદરા પોલીસની પીસીબી શાખાએ નીતિનને પહેલી વખત પકડીને એના ગુનાઈત ઈરાદાનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે એની પુછપરછ અને તપાસમાં શામેલ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, નીતિન કોટવાણી એમએસસી સુધી ભણેલો છે. એને કેમિકલનું સારું જ્ઞાન છે. એ નકલ કરવામાં પણ પાવરધો છે. એક વખત કોઈપણ પ્રોડક્ટ જાેઈ લે તો એની આસાનીથી નકલ કરી શકે છે. એની ગુનેગારોની ટીમમાં ફાર્માસિસ્ટનો પણ સમાવેશ થાય છે. નીતિન આણી મંડળીએ નકલી સેનેટાઈઝરના કેસમાં ધરપકડ બાદ આયૂર્વેદિક સિરપના નામે આલ્કોહોલનો ધંધો શરૂ કર્યો હતો. વડોદરાના દશરથમાં એની ફેક્ટરી હતી. જ્યાં પોલીસે દરોડો પાડીને એક કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનો દાખલ થયા પછી નીતિન કોટવાણી જેલમાં દારૂના મોટા વેપારીઓના સંપર્કમાં આવ્યો હતો. અને એણે ગુજરાત પોલીસની રડારથી બચવા માટે મહારાષ્ટ્રના અક્કલકૂવામાં ફેક્ટરી નાંખી હતી. ત્યારપછી એનો આયૂર્વેદિક સિરપનો જથ્થો રાજકોટમાં પકડાઈ ગયો હતો. રાજકોટ પોલીસે એની સામે ગુનો દાખલ કર્યો હતો. પણ એની ધરપકડ થઈ ન હતી. રાજકોટના કેસમાં વોન્ટેડ હોવા છતાંય એણે આયૂર્વેદિક સિરપના નામે કરિયાણાની દુકાનોમાં દારૂ પિરસવાનો જારી રાખ્યો હતો.

વારસિયામાં પોલીસના બાતમીદારો સક્રિય

નીતિન કોટવાણીના વડોદરાના વારસિયા વિસ્તારમાં ઘણા નીકટના સંબંધીઓ રહે છે. કહેવાય છે કે, વડોદરા પોલીસ જાે વારસિયામાં રહેતા એના સંબંધીઓના મોબાઈલને સર્વેલન્સમાં લે તો એના સઘડ મળી શકે એમ છે. નીતિનના લોકેશન મેળવવા માટે પોલીસે વારસિયામાં બાતમીદારોનો સંપર્ક રાખવો જાેઈએ. નીતિનને ઓળખતા લોકોનું માનવુ છે કે, વારસિયામાં પોલીસે પ્રેમથી તપાસની શરૂઆત કરવી જાેઈએ. અને પ્રેમથી જ નીતિન કોટવાણીને પકડી શકાય એવી સ્થિતિ છે.

નીતિન વડોદરાના બૂટલગેર પાસેથી મિથેનોલ મેળવતો?

નીતિન કોટવાણીના આયૂર્વેદિક સિરપ બનાવવામાં મિથેનોલનો ઉપયોગ થયો હોવાનો ઉલ્લેખ ખેડા પોલીસની એફઆઈઆરમાં છે. પોલીસ અધિકારીઓ માટે સૌથી મોટો સવાલ એ છે કે, નીતિન મિથાઈલ આલ્કોહોલ ક્યાંથી લાવતો હતો ? જાે વડોદરા પોલીસ તપાસ કરે તો નીતિનને મિથેનોલ સપ્લાય કરનારા વ્યક્તિનો પણ પત્તો મળી શકે છે. કેટલાકનું માનવુ છે કે, નીતિનને મિથેનોલ સપ્લાય કરવામાં વડોદરાના જ કોઈ ગુનેગારની સંડોવણી બહાર આવી શકે છે.

સિરપના નામે દારૂની વાત બધાને ખબર છે તો રાજ્યભરની પોલીસ કેમ અજાણ રહી...?

આયૂર્વેદક સિરપના નામે રીતસરનો દારૂનો ધંધો કરનારા ભેજાબાજ નીતિન કોટવાણીને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે. કહેવાય છે કે, શહેર કરતા ગામડાઓમાં આવા આયૂર્વેદિક સિરપની જબરદસ્ત ડિમાન્ડ છે અને એનો સપ્લાય પણ ઝડપથી થઈ રહ્યો છે. ગામડામાં રોજ રાત્રે દારૂ પીતા અસંખ્ય લોકોને ખબર છે કે, કરિયાણાની દુકાનમાં મળતી સિરપની બોટલમાં દારૂ જ હોય છે અને એમાં સોડા નાંખીને પીવાથી નશો થાય છે.

એક હોલસેલર, બીજાે બૂટલેગર અને ત્રીજાે ભેજાબાજ

ગામડે ગામડે કરિયાણાની દુકાનોમાં માલ વેચતા કોઈ હોલસેલર અને ગુજરાતમાં દારૂનો મોટો જથ્થો લાવતા બુટલેગર સાથે સુશિક્ષિત નીતિન કોટવાણીની સાંઠગાંઠ હોવાની વાત નકારી શકાતી નથી. નીતિન કોટવાણીને સિરપના ઉત્પાદન માટે મિથેનોલની જરૂર પડે જેનો સપ્લાય કોઈ બુટલેગર કરતો હોય અને સિરપ બન્યા પછી દુકાને દુકાને એને વેચવા માટે કોઈ હોલસેલરની જરૂર પડે એ સ્વાભાવિક છે.