લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, ડિસેમ્બર 2025 |
2277
ગાંધીનગર, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી) એટલે કે એસટી નિગમ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં પ્લેન અને ટ્રેનની જેમ એસટીની એક્સપ્રેસ બસોમાં મુસાફરોને ભોજનની સુવિધા મળી શકશે. આ માટે મુસાફર ઓનલાઈન ભોજન નોંધાવીને બસમાં જ ભોજન મેળવી શકશે. હાલમાં પ્રાયોગિક ધોરણે અમદાવાદ શહેરના વિવિધ એસટી પોઈન્ટ અને પિકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરોને ભોજન પહોચાડવામાં આવશે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન- એસટી નિગમ (જીએસઆરટીસી) ની સરકારી બસ સેવામાં દૈનિક ધોરણે લાખોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે. ત્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા એક્સપ્રેસ, લક્ઝરી, એસી, વોલ્વો અને સ્લિપર સહિત વિવિધ શ્રેણીની બસ સેવા ઉપલબ્ધ કરાવે છે. હવે એસટી નિગમ દ્વારા એસટી બસના મુસાફરો માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને પ્લેન અને ટ્રેનની જેમ હવે બસમાં મુસાફરોને તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ઓન ડિમાન્ડ પેકેડ ફૂડ- ફૂડ ઓન બસ‘ નામનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રયોગ અંતર્ગત એસટી નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં મુસાફરોને ચાલુ બસે (ફૂડ ઓન બસ) પેકડ ફૂડ મળી રહેશે. આ બસમાં ભોજન સુવિધાથી એસટી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો થાય તે હેતુથી આ નવતર પ્રયોગ પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદ શહેરથી શરૂ કરવામાં આવશે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ નવતર પ્રયોગ અંતર્ગત આ સુવિધાનો પ્રાયોગિક ધોરણે અમલ અમદાવાદ શહેરથી કરવામાં આવશે. જેમાં અમદાવાદમાં પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટિયા, નેહરુનગર, રાણીપ, નારોલ ચાર રસ્તા, સરખેજ, ઓઢવ ચાર રસ્તા, અડાલજ, જશોદાનગર જેવા એસટી બસ પોઈન્ટ તેમજ પિકઅપ સ્ટેન્ડ ખાતેથી ભોજનનું પેક (ફૂડ ડીલીવરી) આપવામાં આવશે. આ પ્રયોગ હેઠળ મુસાફરોએ ઓનલાઈન ફૂડ ઓર્ડર-ફૂડ ઓન બસ મેળવવા માટે નિગમની ઓનલાઇન ઓપીઆરએસ (ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) સિસ્ટમ પર બસ ટિકિટની સાથોસાથ ભોજન (ફૂડ) પણ અગાઉથી બુકિંગ કરી શકશે.