23, ફેબ્રુઆરી 2024
વડોદરા,તા.૨૨
વડોદરા પોલીસનું માથું શરમથી ઝૂકી જાય તેવું કારસ્તાન સમા પોલીસ મથકના કોન્સ્ટેબલો અને પીઆઈએ કર્યું હતુ. વાત એવી છે કે, સમા પોલીસની હદમાં છ દિવસ પહેલા એક વૃધ્ધા પર ત્રણ નરાધમોએ ગેંગરેપ કર્યો હતો.
ગેંગરેપની પીડિતાને જ્યારે પોલીસ મથકમાં લાવવામાં આવી ત્યારે નફ્ફટ પોલીસ કોન્સ્ટેબલોએ એની જાહેરમાં મજાક ઉડાડી હતી. એટલું જ નહીં પોલીસ કોન્સ્ટેબલો પીડિતાની નજર સામે જ આરોપીઓની સાથે હસી-હસીને વાતો કરતા હતા. એમને ચા-નાસ્તો કરાવતા હતા. અને પીડિતાની પુત્રીનું અપમાન કરીને કહેતા હતા કે, તારી મમ્મી પર રેપ થયો હોય એવુ લાગતુ નથી. એ તો જાતે જ એમની સાથે ગઈ હશે.
પ્રજાને કાયદો અને વ્યવસ્થા પર વિશ્વાસ છે એટલે તેઓ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે જાય છે. પ્રજાને સંવિધાન પર ભરોસો છે એટલે તેઓ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જાય છે. પ્રજાને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે.એટલે તેઓ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જાય છે. પણ ખાખી વર્ધીધારીઓ ફરિયાદ નોંધાવવા આવનારા લોકો સાથે અણછાજતું વર્તન કરે, એમનું વારંવાર અપમાન કરે અને એમની ફરિયાદને જુઠ્ઠી સાબિત કરવાની કોશિષ કરે તો શું કરવું ? એનું માર્ગદર્શન માંગવા માટે આજે ગેંગરેપની પીડિતા અને એની દીકરી શહેર પોલીસ કમિશનર પાસે પહોંચ્યાં હતા. રજૂઆત કરવા આવેલા લોકોનો આરોપ એવો હતો કે, સમા પોલીસ મથકમાં જ
બળાત્કારના આરોપીઓને પીડિતાની સામે જ પોલીસ વાળા છાવરતા હતા. સમા પોલીસ બળાત્કારના આરોપીઓ સાથે જમાઈ જેવુ વર્તન કરતી હતી. અને એમને ભાવતા ભોજન ખવડાવતી હતી. રેપ પીડિતાની નજર સામે આરોપીઓ સાથે પોલીસ કોન્સ્ટેબલો હસી-હસીને વાતો કરતા હતા. અને એમને ચા-નાસ્તો કરાવતા હતા. કદાચ તાલિબાન સંચાલિત દેશમાં પણ રેપ પીડિતા સાથે જેવુ વર્તન નહીં થતુ હોય એટલુ ખરાબ વર્તન સમા પોલીસમથકમાં ગેંગરેપની પીડિતા સાથે થયુ હતુ. વાત એવી હતી કે, ૧૬મીએ રાત્રે સમા પોલીસ મથકની હદમાં ૬૧ વર્ષની વૃધ્ધા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે પીડિતા એની પુત્રી સાથે સમા પોલીસ મથકે પહોંચી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લઈને રાતોરાત ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ત્યારપછી પીડિતાની ફરિયાદ લેવડાવવાની તજવીજ હાથ ધરી હતી. જે તે વખતે પીડિતા અને એની દીકરી એક સાઈડમાં બેઠા હતા અને બાજુના રૂમમાં આરોપીઓ સાથે પોલીસ કોન્સ્ટેબલો ઠઠ્ઠા-મશ્કરી કરતા હતા. આરોપીઓને ધમકાવવાને બદલે તેઓ એમને ચા-નાસ્તો કરાવતા હતા. આઘાતજનક વાત તો એ હતી કે, કોન્સ્ટેબલો પીડિતા પર જ ગંભીર આરોપો લગાવતા હતા. તેઓ પીડિતાની દીકરીને કહેતા હતા કે, તારી મમ્મી ઉપર રેપ થયો હોય એવુ લાગતુ નથી. એ તો જાતે જ એમની સાથે ગઈ હશે.
ગેંગરેપની પીડિતા અને એમની દીકરી સાથે પોલીસ મથકે થયેલો દુર્વ્યવ્હાર સંસ્કારી નગરી વડોદરાને છાજે તેવો નથી. આજે પીડિતા અને તેમની દીકરીને ન્યાય અપાવવા માટે એક સામાજિક સંસ્થાના કાર્યકરો અને વડોદરાના કેટલાક પ્રબુધ્ધ નાગરિકો શહેર પોલીસ કમિશનરને મળવા ગયા હતા. અને પીડિતા સાથે દુર્વ્યવ્હાર કરનારા આરોપીઓને છાવરનારા પોલીસ કોન્સ્ટેબલો અને પીઆઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
તારી મમ્મી પર બળાત્કાર થયો નથી એ તો જાતે જ ગઈ છે
સમા પોલીસ મથકના નાલાયક પોલીસ કોન્સ્ટેબલો સામે બળાપો ઠાલવતા પીડિતાની દીકરીએ જણાવ્યુ હતુ કે, જે દિવસે મારી મમ્મી ઉપર ગેંગરેપ થયો તે રાત્રે અમે ફરિયાદ લખાવવા માટે સમા પોલીસ સ્ટેશને ગયા હતા. રાત્રે બાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી હું અને મારી મમ્મી પોલીસ સ્ટેશનમાં જ હતા. અમારી નજરની સામે પોલીસ કોન્સ્ટેબલો આરોપીઓ સાથે હસી-હસીને વાતો કરતા હતા. એમને બિલકુલ શરમ પણ આવતી ન હતી. અને અમારી ઉપર દયા પણ આવતી ન હતી. એમના આવા વર્તનથી આરોપીઓનું મનોબળ વધવા લાગ્યુ હતુ. પોલીસવાળા મારી મમ્મીની ફરિયાદ લેવાને બદલે એની હાંસી ઉડાડતા હોય એવુ લાગતુ હતુ. તેઓ માનવા તૈયાર ન હતા કે, મારી મમ્મી ઉપર ગેંગરેપ થયો છે. તેઓ જાણે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ હોય એમ કહેતા હતા કે, તારી મમ્મી જાતે જ આ લોકો સાથે ગઈ હોય એવુ લાગે છે.
રાજ્યના મહિલા આયોગે સુઓમોટો લઈને તપાસ કરવી જાેઈએ
છાણી જકાતનાકા વિસ્તારના અવાવરું સ્થળે ત્રણ નરાધમોએ ૬૧ વર્ષની વૃધ્ધા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. અને સમા પોલીસ મથકના કોન્સ્ટેબલો અને પીઆઈએ પીડિતા અને એની દીકરી ઉપર માનસિક બળાત્કાર ગુજાર્યો હતો. આવા અક્ષમ્ય અપરાધની જેટલી સજા ગેંગરેપના આરોપીઓને મળવી જાેઈએ એટલી જ કડક સજા સમા પોલીસ મથકના જવાબદાર કર્મચારીઓને પણ મળવી જાેઈએ. રાજ્યના મહિલા આયોગે પણ આ મામલાની ગંભીરતાથી નોંધ લઈને સમા પોલીસ મથકના કોન્સ્ટેબલો સામે કાર્યવાહીની ભલામણ કરવી જાેઈએ. આખાય મામલામાં જેટલા જવાબદાર ગેંગરેપના આરોપીઓ છે તેટલા જ જવાબદાર પોલીસ કર્મચારીઓ પણ છે. જે રેપ પીડિતા સાથે અણછાજતુ કરી શકે છે એ શું ના કરી શકે ? આવા ફાટીને ધૂમાડે ગયેલા પોલીસવાળાને આકરી સજા થવી જાેઈએ.
આરોપીનો એંઠો નાસ્તો આપીને તોછડાઈથી કહ્યું, લો ખાઈ લો..!!
ગેંગરેપની પીડિતાની પુત્રીએ સમા પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે, હું અને મારી મમ્મી પોલીસમાં ફરિયાદ નોંધાવતા હતા અને આખોય ઘટનાક્રમ જણાવતા હતા પણ પોલીસવાળા પોતાની મરજી મુજબની ફરિયાદ નોંધતા હતા. મારી મમ્મી ઉપર નરાધમોએ સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય પણ કર્યું હતુ. તેમ છતાંય પોલીસે એફ.આઈ.આરમાં એની કલમનો ઉલ્લેખ કર્યો ન હતો. પોલીસ અમારી વાત સાંભળવા તૈયાર ન હતી. પોલીસવાળા પહેલેથી જ તૈયાર હતા. તેઓ અમારી ગેંગરેપની વાતને સ્વીકારવા પણ તૈયાર ન હતા. અમારી સામે જ આરોપીઓને છાવરતા હતા અને એમને ચા-નાસ્તો કરાવતા હતા. અમને તો આઘાત એ વાતનો લાગ્યો જ્યારે પોલીસે આરોપીઓની ડીશમાં વધેલો એંઠો નાસ્તો અમારી સામે ધર્યો અને કહ્યું કે, લો ખાઈ લો..!!
પોલીસવાળા અમને જુઠ્ઠા સાબિત કરવાનો સતત પ્રયાસ કરતા હતા
પીડિતાની દીકરીએ જણાવ્યુ હતુ કે, મારી મમ્મીની ઉંમર ૬૧ વર્ષની છે. એની સાથે ત્રણ જણાંએ ગેંગરેપ કર્યો હતો. એટલે સમા પોલીસ મેડિકલ ચેકઅપ માટે અમને સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં મેડિકલ ઓફિસર મારી મમ્મીની પુછપરછ કરતા હતા. તે સમયે પોલીસવાળા વારંવાર એની વાત કાપતા હતા. કોઈ અન્ય વ્યક્તિ મારી મમ્મી સાથે વાત કરે તો પોલીસવાળા ગુસ્સે ભરાઈ જતા. એમને તો મારી મમ્મી પર થયેલો ગેંગરેપનો ગુનો છૂપાવવામાં રસ હોય એમ લાગતુ હતુ. આખોય મામલો એવો ઉભો કરવામાં આવતો હતો જાણે મારી મમ્મી ઉપર બળાત્કાર થયો જ નથી અને અમે જુઠ્ઠુ બોલીએ છીએ. આખાય મામલામાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે અને એની તપાસ થવી જાેઈએ. સંસ્કારી નગરી વડોદરા માટે આ મામલો ખરેખર શરમજનક છે.