06, જુલાઈ 2025
2475 |
સુરત, જમાઇનાં પિતરાઇ ભાઇએ વડોદરા પાસે ખરીદેલી જમીનમાં ભાગ રાખવા જતાં રાજકોટની મહિલા સાથે ૪૦.૧૬ લાખનું ચીટિંગ થયું હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. વરાછા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર રાજકોટના ધોરાજીનાં વતની ગીતા રમેશભાઇ વાગડીયા ખેતીકામ કરે છે. તેમની પુત્રી અનિષાનાં સને ૨૦૧૪માં અનિલકુમાર સાથે થયા હતાં. જમાઈ અનિલના પિતરાઇ ભાઇઓ પરેશ દામજીભાઇ ધેવરીયા (રહે, સૌરાષ્ટ્ર સોસાયટી, વરાછા), જીતેશ લાભુભાઈ ધેવરીયા (રહે, સાઇ મિલન રેસીડન્સી, મોટા વરાછા) તથા તેમના ગામના રાજુ લાલજીભાઇ લુખી (રહે, ખોડિયાર નગર ચોપાટી પાસે વરાછા) સાથે ગીતાબેનની ઓળખાણ થઇ હતી. જમાઇનાં પિતરાઇ ભાઇઓએ તેણીને જણાવ્યું હતું કે, વડોદરાનાં સુંદરપુરામાં પરેશ ધેવરીયાએ વર્ષ ૨૦૧૪માં જમીનનો સોદો કરી બાનું પણ ચૂકવ્યું છે. આ જમીન ખૂબ મોકાની અને ઉપજાઉ છે. એમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં મોટો ફાયદો થશે. આ જમીનમાં જીતેશ ધેવરીયા તથા રાજુ લુખી પણ રોકાણ કરવાના છે. તમે પણ આમાં રોકાણ કરશો તો આપણે બધાના હક્ક હિસ્સા અને એમઓયુ બનાવી લઇશું. તેઓએ ગીતાબેનને પરેશ ધેવરીયાએ કરેલો સાટાખત પણ બતાવ્યો હતો. આ જોયા બાદ તેણીએ માર્ચ ૨૦૨૧માં સુરત આવી પરેશ ધેવરીયાના ઘરે જઇ રોકાણ માટે રોકડ અને ચેક આપ્યા હતાં. સાથે જ મીનીબજારમાં ઓફિસ ધરાવતા એડવોકેટ નોટરી પાસે જઇ સમજૂતી કરાર કર્યો હતો. જેમાં પરેશ ઘેવરીયાનો ૧૭.૫૫ટકા ગીતાબેનનો ૪૨.૫પ, જીતેશ ધેવરીયાનો ૩૦ ટકા, રાજુ લુખીનો ૧૦ ટકા હિસ્સો નક્કી કરાયો હતો. આ જમીનમાં કુલ ૭૮.૧૧ લાખનું રોકાણ થયું હતું, જેમાં ગીતાબેને તેમના હિસ્સાના ૩૩.૧૬ લાખ સામે ૪૦.૧૬ લાખ રૂપિયા ભાગીદારોને આપ્યા હતાં. જમીનનું એમઓયુ કરાયું ત્યારે તેના વેચાણ કે અન્ય કોઇ વહીવટ સંદર્ભે તમામ ભાગીદારોની લેખિત સહમતી લેવાનું નક્કી કરાયું હતું. ત્યારબાદ ગીતાબેનને જાણવા મળ્યું હતું કે, તેમણે ભાગીકારીમાં ખરીદી છે એ જમીનના મૂળ માલિક સુમનબેન શાંતિલાલ પટેલ, કોમલબેન શાંતીલાલ પટેલ, નીલમબેન શાંતીલાલ પટેલ, આકાશ શાંતિલાલ પટેલ વિગેરેએ નયના નાગરભાઈ પટેલને મે-૨૦૨૪માં વેચી દીધી છે. ગીતાબેને તપાસ કરી તો એવું જાણવા મળ્યું હતું કે, તેમના ભાગીદારોએ મૂળ માલિકો પાસેથી ચૂકવેલું વળતર નફા સાથે પરત મેળવી લીધું હોય આ રીતે જમીન વેચાય છે. ત્યારબાદ ગીતાબેને તેમણે કરેલા રોકાણ અનુસાર હિસ્સે આવતાં રૂપિયા માંગવા માંડ્યા હતાં. જેમાં ભાગીદારો વાયદા કરતાં રહયા હતાં. આ રીતે વિશ્વાસઘાત છેતરપિંડી કરનારા જમાઇનાં પિતરાઇ ભાઇ અને તેના મિત્ર સામે ગીતાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.