વડોદરા, તા.૮

વડોદરા શહેરના ૬ લાખ લોકોને ચાર-પાંચ દિવસ પીળું પાણી કેમ પીવું પડ્યું? તેનું ‘લોકસત્તા-જનસત્તા’એ ઈન્વેસ્ટિગેશન કરતાં રાયકા-દોડકાના ખામીયુક્ત રેડિયલના કારણે પીળા પાણીનું મૂળ હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના શાસનમાં બનેલા બંને કૂવાને સારા સાબિત કરવા માટે પાછળથી ઉમેરાયેલા રેડિયલ આ માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ બીજી તરફ વનસ્પતિ અચાનક કેવી રીતે આવી? તે બાબત સ્પષ્ટ કરવામાં તંત્ર હજી નિષ્ફળ રહ્યું છે. જાેકે, ખામીયુક્ત રેડિયલ બંધ કરીને પીળું પાણી બંધ થયાના ‘પીળા ચશ્માં’ તંત્ર પહેરાવી રહ્યું છે.

વડોદરા શહેરના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારના ચાર લાખ લોકોને ચાર-પાંચ દિવસ પીળું પાણી વિતરણ કરાતાં ૭ર કલાક બાદ ગઈકાલે મેયર, મ્યુનિ. કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન તેમજ પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ રાયકા-દોડકા ખાતે દોડી ગયા હતા અને વહેલીતકે પૂર્વવત્‌ પાણી કેમ મળે તે માટે ચર્ચા-વિચારણા સાથે કામગીરી હાથ ધરી હતી.

જાેકે, શહેરના ૬ લાખ લોકોને પીળું પાણી કેમ પીવું પડ્યું? તે અંગે ‘લોકસત્તા-જનસત્તા’એ ઈન્વેસ્ટિગેશન કરતાં રાયકા-દોડકાના ખામીયુક્ત રેડિયલ પીળા પાણીનું મૂળ હોવાની વિગતો સપાટી પર આવી છે. કોંગ્રેસના શાસનમાં બનેલા આ બંને કૂવાને સારા સાબિત કરવા પાછળથી ઉમેરાયેલા રેડિયલ જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. જાે કે, રાયકા-દોડકાના ખામીયુક્ત રેડિયલ બંધ કરીને પીળું પાણી બંધ થયાનું તંત્ર દ્વારા કહેવાય છે. પરંતુ નદીમાંથી અચાનક વનસ્પતિ ફ્રેન્ચકૂવા સુધી કેવી રીતે આવી તે બાબત પણ સ્પષ્ટ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ચોમાસામાં જે ડહોળું પાણી મળે છે તે પણ રાયકા-દોડકાના ખામીયુક્ત રેડિયલના કારણે મળતું હોવાનું જાણવા મળે છે.

 રેડિયલ ખામીયુક્ત કેવી રીતે?

મહિસાગર ખાતે જ્યારે રાયકા-દોડકા ફ્રેન્ચકૂવા બન્યા ત્યારે પ૦ એમએલડીની ક્ષમતા સામે ખામીયુક્ત રેડિયલના કારણે માત્ર ૧૫ એમએલડી પાણી લઈ શકાતું હતું, જેને સફળ સાબિત કરવા માટે પાછળથી ત્રીજા રેડિયલનો ઉમેરો કરાયો, જે ડિઝાઈનથી વિપરીત હોવાથી ફિલ્ટરેશન કરતું ન હતું, તેના કારણે જ્યારે જ્યારે નદીમાં સ્વચ્છ પાણી સિવાયનો કોઈ ફેરફાર આવે ત્યારે ત્યારે દૂષિત, પીળા કે ડહોળા પાણીનો પ્રશ્ન ઊભો થાય છે.

આ વિશે શું કહે છે તજ્‌જ્ઞ?

જાણકારોના મતે કોઈપણ જળસ્ત્રોતમાં લીલ, વેલા, પાંદડાં કે અન્ય કોઈપણ વનસ્પતિ આકાર લે તો તેની પાછળ માનવશરીરનો કચરો જવાબદાર હોવાનું કહેવાય છે. ત્યારે મહિસાગરમાં પણ કાંઠાના રહેણાંક વિસ્તારમાંથી છોડાતાં મલીનજળ આ વનસ્પતિના ઉદ્‌ભવ માટે જવાબદાર હોવાનું કહેવાય છે.

પાણીની ઘટ કેવી રીતે સરભર કરી?

રાયકા-દોડકાના ખામીયુક્ત રેડિયલને બંધ કરાતાં રપથી ૩૦ એમએલડી પાણીની ઘટ પડી હતી, જેને સરભર કરવા માટે પોઈચા, ફાજલપુર, ઉપરાંત ૫૬ ટયૂબવેલમાંથી વધારાનો જથ્થો ઉપાડી રહ્યા છે, જે પછી પણ રહેતી ઘટ કેટલાક વિસ્તારોમાં અઘોષિત કાપ મુકાયો હોવાનું પણ કહેવાય છે.

વિરોધ પક્ષ કોંગ્રેસે ભૂતકાળ તપાસીને આક્ષેપ કરવા જાેઈએ

મહિસાગર નદીમાંથી ૬ લાખ લોકોને ચાર-પાંચ દિવસ જે પીળું પાણી પીવું પડયું છે તે માટે કોંગ્રેસના શાસનમાં બનેલા રાયકા-દોડકાના ફ્રેન્ચકૂવાને સારા સાબિત કરવા પાછળથી ઉમેરાયેલા રેડિયલના કારણે. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ પક્ષના નેતાએ ભૂતકાળ તપાસીને આક્ષેપ કરવા જાેઈએ તેવી ચર્ચા પાલિકા વર્તુળોમાં થઈ રહી છે.

પીળું પાણી નહીં અટકાવી શકનારા સત્તાધીશોએ પોતાની જેમ પાણીનો રંગ બદલવા મહેનત કરી!

રાજકારણમાં મૂળ સ્વભાવ રંગ બદલવાનો હોય છે. ત્યારે સત્તા માટે રંગ બદલતા પાલિકામાં ભાજપના શાસકો મહીનદીમાંથી આવતા રંગીન પાણીનો રંગ બદલવા સુરતથી એક્સપર્ટની ટીમને બોલાવી હતી અને તેમની સાથે જ ગઈકાલે મેયર, મ્યુનિ. કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ રાયકા-દોડકા ખાતે ગયા હોવાનું જાણવા મળે છે. જાે કે, તેમાં ઝાઝી સફળતા નહીં મળતાં સુપર ક્લોરિનેશનથી રંગ બદલવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.