સુરત AAPમાં ફરી ભડકો:મહિલા કાર્યકર હની પટેલનું રાજીનામું:કારણને લઈ ચર્ચા તેજ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ડિસેમ્બર 2025  |   સુરત   |   2277

કારણ અકબંધ

ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર આંતરિક ઉથલપાથલ જોવા મળી છે. સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતા અને વિવાદો સાથે જૂનો નાતો ધરાવતા મહિલા કાર્યકર હની પટેલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.હની પટેલે પોતાનું રાજીનામું આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીને મોકલી આપ્યું હોવાનું જાણવા મળે છે. રાજીનામાની સાથે તેમણે સોશિયલ મીડિયા મારફતે પણ પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આમ આદમી પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક અને ઇમાનદારીથી કામ કરવા ઇચ્છતા હતા, પરંતુ હાલમાં તેમના પર પરિવારની જવાબદારીઓમાં વધારો થયો છે.હની પટેલના જણાવ્યા મુજબ, અંગત કારણો અને ફેમિલી પ્રેસરને કારણે તેઓ પક્ષ માટે પૂરતો સમય ફાળવી શકશે નહીં. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારે હૈયે તેમણે પક્ષમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં પક્ષને પૂરતો સમય અને સમર્પણ ન આપી શકવાથી રાજીનામું આપવું યોગ્ય લાગ્યું.જોકે, હની પટેલના રાજીનામાને લઈને રાજકીય ગલિયારાઓમાં અન્ય ચર્ચાઓ પણ તેજ બની છે. ચર્ચા છે કે, રાજીનામા પાછળનું કારણ માત્ર અંગત અથવા પારિવારિક નથી, પરંતુ તેમની જાહેર છબી અને અગાઉના વિવાદોને કારણે પક્ષ પર પડતું દબાણ પણ હોઈ શકે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી મુખ્ય વિરોધ પક્ષ તરીકે મજબૂત સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં એક પછી એક કાર્યકરોના રાજીનામા પક્ષ માટે ચિંતા જનક બની રહ્યા છે. હની પટેલના રાજીનામાથી સુરત AAPની આંતરિક સ્થિતિ અને ભવિષ્યની રાજકીય વ્યૂહરચના પર અસર પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution