વડોદરા, તા.૧૦

કોયલી ગામ ખાતે આવેલી શિવમ રેસિડેન્સીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ વર્તાતાં સ્થાનિક રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વારંવાર ડ્રેનેજના પાણી ઊભરાતાં માર્ગો પર ગંદા પાણી ફરી વળતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહીશોએ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો.

શહેરના છેવાડે આવેલા કોયલી ગામ ખાતે ૨૦૦ મકાનો ધરાવતી શિવમ રેસિડેન્સી સોસાયટી આવેલી છે સોસાયટીમાં છેલ્લા આઠ વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. સોસાયટીમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં અને સમયસર મળતું નથી. તો બીજી તરફ અવારનવાર ડ્રેનેજના પાણી માર્ગ ઉપર ફરી વળતાં લોકોને અવરજવરમાં તકલીફ પડે છે. આ અંગે ગ્રામ પંચાયતની કચેરીમાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં રહીશો રોષે ભરાયા છે અને એકઠા થયેલા રહીશોએ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.