/
સયાજી હોસ્પિટલની જમીન પરત આપી

વડોદરા

તેરા તુજકો અર્પણની ઉમદા ભાવનાને સાકાર કરતા સમારંભમાં શહેરના મેયર કેયૂર રોકડિયા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અરવિંદરાય કેશવલાલ વૈષ્ણવ ચેરિટેબલ ટ્રસ્ટે સયાજી હોસ્પિટલ પરિસરમાં આવેલી વિશાળ જમીન તેના પર પાકી બાંધેલી સુવિધાસભર ઇમારત સાથે સયાજી હોસ્પિટલને દર્દીવાહિની સહ અગ્નિશમન સેવા કેન્દ્ર શરૂ કરવા માટે સાભાર પરત કરી હતી.

રાજ્ય સરકારે ૧૯૯૯માં ટ્રસ્ટને આ જમીન દર્દીવાહિની સેવા કેન્દ્રની પ્રવૃત્તિઓ માટે આપી હતી. ટ્રસ્ટે ૨૨ વર્ષ સુધી દર્દીવાહિની સેવાનું સંચાલન કર્યું હતું. હાલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ વધી છે અને સતત ચાલુ રહેતા એસી અને અન્ય યંત્રોને લીધે હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બની છે. ત્યારે તેના નિવારણની તકેદારી માટે મધ્ય ગુજરાત સરકારી હોસ્પિટલના પરિસરમાં જ અગ્નિશમન કેન્દ્ર શરૂ કરી આપવાની સરળતા કરવા અરવિંદરાય ટ્રસ્ટે આ જમીન પરત સોંપી છે. આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે, સ્વ.અરવિંદરાય વૈષ્ણવે ૫ કર્મચારીઓ સાથે અગ્નિશમન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો અને ૪૨ વર્ષ સુધી તેનું નેતૃત્વ કરી દાંડિયા બજારમાં વિશાળ મુખ્ય મથક સાથે તેનો વિકાસ કર્યો હતો. તેમણે વડોદરાની આસપાસ વિકસેલા મહાકાય ઉદ્યોગો ને અગ્નિ શમન સેવાઓ શરૂ કરવામાં માર્ગદર્શક મદદ કરી હતી. સ્વ.અરવિંદરાય સ્થાપિત પરંપરા પ્રમાણે વૈષ્ણવ પરિવાર જરૂરિયાતના સમયે શહેરને મદદરૂપ બનવાનું ચાલુ રાખશે તેવી અપેક્ષા વ્યક્ત કરતાં મેયરે જણાવ્યું કે આ પરિવારે હંમેશા શહેરના કામોમાં યોગદાન આપ્યું છે અને સ્વ. અરવિંદરાય વૈષ્ણવના સેવા વારસાને આગળ વધાર્યો અને દીપાવ્યો છે. કોરોના કટોકટીના સમયમાં શહેરમાં ૧૦૮ સેવાઓ, ફાયર બ્રિગેડ અને અન્ય સેવા સંસ્થાઓની દર્દીવાહિની સેવાઓ જીવનદાયિની બની રહી તેવી લાગણી વ્યક્ત કરી હતી. સયાજી હોસ્પિટલ પરિવાર તરફથી ટ્રસ્ટને હાર્દિક ધન્યવાદ આપતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરે જણાવ્યું કે તેરા તુજકો અર્પણનું આ પ્રેરક ઉદાહરણ છે. સરકારના ખૂબ જ પ્રોત્સાહક અભિગમને લીધે સયાજી હોસ્પિટલ પરિવારે પ્રથમ કોરોના અને પછી મ્યુકોરની બંને લહેરોમાં સંપૂર્ણ ક્ષમતાથી અને હૃદયપૂર્વક આરોગ્ય સેવાઓ પૂરી પાડીને લોકવિશ્વાસ જીત્યો છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ડે. મેયર નંદા જાેશી, ફાયર અને ઇમરજન્સી સર્વિસના વડા પાર્થ બ્રહ્મભટ્ટ, શહેર કોંગ્રસના અધ્યક્ષ પ્રશાંત પટેલ, સયાજી હોસ્પિટલના કાર્યપાલક અધિકારી ડો.પાઠક, કોરોના સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ, પૂર્વ મેયર, પૂર્વ સહિત અરવિંદરાય વૈષ્ણવ પરિવારના સદસ્યો, મિત્રો અને શુભેચ્છકોનો વિશાળ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution