લો બોલો..ભણવામાં રસ ન હોવાથી 15 વર્ષીય સગીર ઘરમાંથી રૂ.61,500 લઈને ભાગી ગયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જુલાઈ 2021  |   1089

અમદાવાદ

બાપુનગરમાં રહેતા એક 15 વર્ષીય સગીરે મને ભણવામાં રસ નથી મારે ભણવું નથી અને હું કંટાળી ગયો છું એટલે હવે ઘરે પાછો નહીં આવું તેમ કહીને ઘરમાંથી રૂ.61.500 લઈને ઘર છોડી ચાલ્યો ગયો હતો. આ અંગે સગીરના પિતાને જાણ થતા તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરની શોધખોળ હાથ ધરી છે.

બાપુનગરમાં રહેતા 40 વર્ષીય આધેડ તેના પંદર વર્ષના પુત્ર સહીતના પરીવાર સાથે રહે છે, તેઓ એક પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમનો પુત્ર ધોરણ-11 સાયન્સમાં બાપુનગરની એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગુરૂવારના રોજ સવારે પિતા તેમની નોકરીએ ગયા હતા અને ત્યારબાદ તેમની પત્ની પણ નોકરીએ ગઇ હતી. ત્યારે તેમનો 15 વર્ષીય પુત્ર ઘરે એકલો હતો. બપોરે બંને પતિ-પત્ની જ્યારે ઘરે આવ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાને લોક હતો. આ લોકની એક ચાવી તેઓની પાસે તથા એક ચાવી તેમના પુત્ર પાસે રહેતી હતી.

જેથી તેઓને એવું લાગ્યું હતું કે, તેમનો પુત્ર ટ્યુશનમાં ગયો હશે અને આશરે પંદરેક મિનિટ બાદ તેમના દીકરાને ફોન કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો. જેથી દીકરાના રૂમમાં જઈને તપાસ કરતા ટેબલ પર એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં મોમ અને ડેડ મેરે ફોનમે એક રેકોડીંગ હૈ, બાય, ટેક કેર યોર સેલ્ફ યોર, સન તેવું લખેલુ હતું. જેથી 40 વર્ષીય પિતાએ તેના દીકરાએ મોબાઇલમાં કરેલું રેકોર્ડિંગ સાંભળ્યું તો તેમાં તેણે કહ્યું હતું કે, "મને ભણવામાં રસ નથી મારે ભણવું નથી અને હું કંટાળી ગયો છું એટલે હવે પાછો નહિ આવું અને હું તથા મિત્ર અમે બંને સાથે જ છીએ." તેવું જણાવ્યું હતું. જેથી 40 વર્ષીય પિતાએ તેમના દીકરાના મિત્ર કે જે હીરાવાડી ખાતે રહે છે તેને પૂછતાં તેણે જણાવ્યું કે, તે બંને સવારે 11 વાગ્યે તેઓના ઘરેથી સાયકલ લઈને નીકળ્યા હતા અને હીરાવાડી ચાર રસ્તા પાસે દાબેલી અને વડાપાવ ખાધા હતા અને સાયકલ હીરાવાડી ખાતે આવેલા એક કોમ્પ્લેક્ષમાં મૂકીને ગયા હતા. જે બાદમાં 15 વર્ષીય સગીર દિલ્હી જાઉં છું તેમ કહીને રિક્ષામાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન ખાતે જવા નીકળ્યો હતો. જો કે ઘરેથી આ સગીર નિકળ્યો ત્યારે તેણે રૂ.61 હજાર સાથે લઈને ઘર છોડ્યું હતું. જેથી આ મામલે 40 વર્ષીય પિતાએ બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને 61,500 રૂપિયા લઈને ઘરેથી નીકળેલા આ સગીરની શોધખોળ હાથ ધરી છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution