૩૧મી ડિસેમ્બરના રોજ ખાનગી પાર્ટીઓ પર પોલીસની કડક નજર:ડ્રોન દ્વારા થશે નિગરાની
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ડિસેમ્બર 2025  |   સુરત   |   3366

ઓપન પ્લોટો પર ખાસ નજર

સુરત શહેર અને તેની આસપાસ આવેલા લક્ઝરી ફાર્મ હાઉસો તેમજ ઓપન પ્લોટોમાં યોજાતી ખાનગી પાર્ટીઓ પર આ વખતે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે. વધતા જતા ગેરકાયદે હુક્કા ચલણ અને નશીલા પદાર્થોના ઉપયોગને રોકવા માટે સુરત પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સનો સહારો લેવામાં આવશે.પોલીસ કમિશનરની સ્પષ્ટ સૂચના અનુસાર, ડુમસ, વેસુ, અડાજણ તેમજ શહેરને અડીને આવેલા હાઈવે વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાવી સતત ચેકિંગ કરવામાં આવશે. અત્યાર સુધી કેટલાક લોકો ઊંચી દીવાલોવાળા ફાર્મ હાઉસો કે જંગલસમાન વિસ્તારમાં પાર્ટીઓ યોજી કાયદાની નજરથી બચી જવાની કોશિશ કરતા હતા, પરંતુ હવે ડ્રોન ટેકનોલોજીથી આવી હરકતો છુપાવી શકાશે નહીં.પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ડ્રોન દ્વારા જ્યાં પણ હુક્કાનો ઉપયોગ કે ગેરકાયદે પ્રવૃત્તિઓ નજરે પડશે, ત્યાં તરત જ ગ્રાઉન્ડ પર પોલીસની ટીમ મોકલી રેડ પાડવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.સુરત પોલીસનો આ પગલું શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ યુવાનોને નશાના ચક્કરમાં ફસાતાં રોકવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા શહેરવાસીઓને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ ગેરકાયદે પાર્ટી કે હુક્કા ચલણની માહિતી તાત્કાલિક પોલીસને આપવી, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution