અકસ્માતમાં ‘કેશલેસ‘ સુવિધાના અમલમાં વિલંબ મુદ્દે સુપ્રીમની ફટકાર
10, એપ્રીલ 2025 198   |  


નવી દિલ્હી, અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર આપવાના આદેશનો અમલ કરવામાં મોડુ થવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે રોડ પરિવહન મંત્રાલયના સચિવને વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પષ્ટીકરણ કરવા માટે નોટિસ પાઠવી છે.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ઉજ્જલ ભુઇયાંની બેંચ દ્વારા મામલાની સુનાવણી કરવામાં આવી હતી. અકસ્માત સમયે પીડિતોને કેશલેસ સારવારની સુવિધા મળી રહે તે માટે સુપ્રીમ કોર્ટે આ વર્ષે જ જાન્યુઆરીમાં આદેશ આપ્યો હતો, જાેકે તેનો અમલ ના થતાં સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમે કહ્યું હતું કે ૮ જાન્યુઆરીના અમે આદેશ આપ્યો હોવા છતાં આ યોજનાને લાગુ નથી કરવામાં આવી. જે ન માત્ર કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે સાથે સાથે એક લાભકારી કાયદાને લાગૂ કરવામાં મોડુ પણ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિ. સોલિસિટર જનરલ વિક્રમજીત બનર્જીને કહ્યું હતું કે મોટર વહીકલ કાયદો સરકારનો જ છે, જાે કેશલેસ સારવાર સુવિધાની આ યોજનાનો અમલ ના થયો તો લોકો જીવ ગુમાવી શકે છે. સુપ્રીમે રોડ પરિવહન મંત્રાલયના સચિવને ૨૮મી એપ્રિલે હાજર થઇને સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો છે. આ પહેલા આઠ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે મોટર અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજના તૈયાર કરવામાં આવે, જેથી અકસ્માતના શરૂઆતના મહત્વના સમય ગોલ્ડન સમયે પીડિતોને તાત્કાલીક સારવાર મળી રહે. કોર્ટે સરકારને ૧૪ માર્ચ સુધી યોજનાનો અમલ કરવા કહ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution