વડોદરા, તા.૧૪

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તા. ૧૮ જૂનના રોજ ઉપસ્થિતિમાં વડોદરામાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાનના હસ્તે રૂ.૨૧,૦૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિભાગોના વિવિધ પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યભરમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો શુભારંભ કરાવશે. મહિલાઓની સગર્ભાવસ્થાથી માંડીને ૧,૦૦૦ દિવસ સુધી માતા અને બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા અને તેમના પોષણની સ્થિતિમાં સુધાર લાવવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ જાહેર કરવામાં આવી છે. જે આગળ જતા બાળકના નબળા આરોગ્યમાં પરિણમે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૦ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસ, એટલે કે કુલ ૧,૦૦૦ દિવસના સમયગાળાને ‘ફર્સ્‌ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી’ કહેવામાં આવે છે, જે સમય દરમિયાન માતા અને બાળકનું પોષણ સ્તર સુદૃઢ બનાવવું જરૂરી છે. આ બાબતના મહત્વને સમજીને ભારત સરકારના ‘પોષણ અભિયાન’ અંતર્ગત માતા અને બાળકના આ ૧,૦૦૦ દિવસ ઉપર ફોકસ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ ૧,૦૦૦ દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ મંજૂર કરવામાં આવી છે.આ ઉ૫રાંત રેલવે સહિત વિવિધ પ્રોજેકટ તેમજ કામોનું પણ વડાપ્રધાના હસ્તે લોકાપર્ણ અને ખાતમુહૂત થશે.

સભાસ્થળ, પાર્કિંગ તેમજ આસપાસના માર્ગ પર સઘન સફાઈ કામગીરી કરાઈ

વડોદરા ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી તા.૧૮મીએ યોજાનાર કાર્યક્રમને લઈ પાલિકા તંત્ર દ્વારા સભા સ્થળ અને આસપાસના તમામ રૂટ પર મશીનરી તેમજ કર્મચારીઓને કાપેલ ઝાડી ઝાખરા, રોડ ડિવાઈડર સહિતની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત પાર્કીંગ પ્લોટની પણ સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

આગામી તા.૧૮મીએ આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોજાનાર કાર્યક્રમ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. તયારે પાલિકા તંત્ર દ્વારા એરપોર્ટથી લેપ્રેસી ગ્રાઉન્ડ તેમજ સભા સ્થળની આસપાસના તમામ રોડ રસ્તાઓ પર કાપેર્ટીંગ, પેચવર્ક, ડિવાઈડર, ફૂટપાથ તેમજ રંગ રોગાણની કામગીરી બાદ પાર્કિગ માટેના ૩૪ જેટલા પ્લોટ નકકી કરાયા છે.

સિટી એન્જીનીયર એલ્‌ેશ મજમુંદારે જણાવ્યું હતું કે સાંજે ૯ જેસીબી, ૧૩ ડમ્પર, ૮ ટ્રેકટર અને ૮ રોબોટ મશીન તેમજ ૧૩૪૨ જેટલા કર્મચારીઓ દ્વારા પાર્કિંગ પ્લોટ સભા સ્થળ અને આસપાસના ૨૮ જેટલા રૂટ પર જંગલ, કટીંગ, કચરાના ઢગલા દૂર કરીને સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી.