લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ડિસેમ્બર 2025 |
વડોદરા |
6633
બે કલાકે આગ કાબૂમાં આવી
વડોદરા શહેરના નવાબજારમાં મંગળવારની મધરાત્રે એક ફર્નિચર અને પડદાની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. રાત્રે લગભગ 1 વાગ્યે આગ લાગ્યાની માહિતી મળી આવતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. દુકાનના તળિયા, પહેલા અને બીજા માળે રહેલ ફર્નિચર, પડદા અને વિવિધ માલસામાન પળોમાં આગની જપેટમાં આવી ગયો હતો. આગ એટલી વકરી ગઈ હતી કે જાડા ધૂમાડાના ગોટેગોટા દૂરથી જ દેખાઈ રહ્યા હતા અને આસપાસના વેપારીઓ તથા રહેવાસીઓ પણ બહાર નીકળી ગયા હતા.ફાયર વિભાગની અનેક ટીમોએ લગભગ બે કલાકની ભારે મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ ઝડપી ગતિએ ત્રીજા માળ તરફ વધતી જતી હોવાથી ફાયરમેનોએ વિશેષ તકેદારી સાથે કામગીરી કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનનો મોટાભાગનો માલસામાન પૂરેપૂરો બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ દુકાનદારને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાય છે.