લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, જાન્યુઆરી 2026 |
4950
સુરત, ઉઠમણું કરવાના ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી મોટાપાયે કાપડ ખરીદી બોગસ ચેક પધરાવવાનાં કૌભાંડમાં સૂત્રધાર એવા અજય તોલાનીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઉધના અમન સોસાયટીમાં રહેતા રજા અલી હુસેન સોલંકી આર.જે.એન્ટરપ્રાઇઝ નામથી પીવીસી બેગ મેન્યુફેક્ચરિંગ નો ધંધો કરે છે. સોલંકીના ધ્યાન પર એવી વાત આવી હતી કે, તેમની પેઢીનાં જીએસટી નંબર પર એવા બિલ નોંધાયા છે કે જેમની ખરીદી તેમણે કરી ન હતી. તેમણે સી એ વિનય કનોડીયા પાસે જીએસટી પોર્ટલ પર ચેક કરાવતા શ્રી કુબેરજી એમ્પાયર કો-ઓપરેટિવ કોમર્શિયલનું બીલ અપલોડ થયેલા દેખાતું હતું. કુબેરજી માર્કેટ પહોંચેલા રાજાઅલીને તેમની પેઢીનાં નામનું બોર્ડ અને જીએસટી નંબર દેખાયા હતા. વિશાલ સુરેશ ગુપ્તાની માલિકીની જણાવાયેલી આર જે એન્ટરપ્રાઇઝ પેઢીમાં જઇ સોલંકીએ તપાસ કરાતાં મેનેજ૨ રાશીદ શેખ અને કર્મચારી ક્રિષ્ના મળ્યા હતાં. તેઓએ તેમને વિશાલ ગુપ્તા અને હિતેષ વાઘાસિયા એ નોકરીએ રાખ્યાનું જણાવ્યું હતું, જેથી રાજાઅલીએ પોલીસ બોલાવી હતી. સારોલી પોલીસે માર્કેટ પહોંચી વિશાલની પૂછપરછ કરતાં તેણે દુકાન ભાડે આપી હોવાનું જણાવ્યું હતું. ભાડા કરારમાં આર.જે.એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર રાજેશ જેઠવાણીનાં આધાર કાર્ડ તથા પાનકાર્ડની ઝેરોક્ષ હતી. રાજેશ જેઠવાણીએ તેનું નામ સરનામું અને રાજાઅલીનો પાન નંબર લખી આ બોગસ પાનકાર્ડ બનાવ્યાનું ધ્યાને આવ્યું હતું. જેના કારણે વિશાલ ગુપ્તાને સારોલી પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જાે કે ત્યાં યોગ્ય કાર્યવાહી નહીં કરાતાં પોલીસ કમિશનરને રજૂઆત કરાઇ હતી. પોલીસ કમિશનર ગહલૌતની સૂચનાથી ઇકો સેલના ઇન્સ્પેક્ટર સોલંકીએ તપાસ આરંભી હતી. જેમાં રાજાઅલી ની આર જે એન્ટરપ્રાઇઝ પેઢીના જીએસટી નંબરનો દુરુપયોગ કરી વિશાલ સુરેશ કુમાર ગુપ્તા, સારોલીની અવધ માર્કેટમાં ૧૦૧૫-૧૦૧૬ નંબરની દુકાન ધરાવનાર વ્યક્તિ, મેનેજર રાશીખ શેખ, આર જે એન્ટરપ્રાઇઝ નો કર્મચારી ક્રિષ્ના સુરેશ, કાપડ દલાલ હીતેષ વઘાસીયા, કાપડ દલાલ મયંક જૈન, શુભમ અગ્રવાલ અને પંકજ માલ મંગાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ સામે રાજાઅલીની ફરિયાદ લઇ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉઠમણાંનાં ઇરાદે ત્રાહિત પેઢીનાં જીએસટી નંબરથી મોટાપાયે માલ ખરીદનારી આ ટોળકીના કૌભાંડની તપાસ ઇન્સ્પેક્ટર જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવેમ્બર ૨૦૨૪માં પંકજ ઉર્ફે સંજય ઉઘવદાસ માખીજા તથા દીપક શંકરલાલ ચેતુમલ ચંદાણીની ધરપકડ કરાઇ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે દીપકે કૌભાંડી અજય તોલાણીના કહેવાથી દુકાન ભાડે રાખી અને પેઢીના બોગસ ડોક્યુમેન્ટથી એક્સિસ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. તેમણે આર.જે.એન્ટરપ્રાઇઝ નામથી બોગસ ભાડા કરાર જ નહોતો બનાવ્યો પરંતુ બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યા હતાં. તેઓએ મુંબઈના વેપારીઓ પાસેથી બે કરોડથી વધુંનો માલ ખોલાવી પેઢીના નામે ખોલાવાયેલા બોગ એકાઉન્ટમાંથી ચેક પણ આપ્યા હતા. આ હકીકત બહાર આવતાં પોલીસે અજય તોલાણીની તલાશ શરૂ કરી હતી. જાે કે, તે મળી નહીં આવતાં તેની સામે કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ મેળવાયું હતું. ભાઠેના રામદેવ નગર ખાતેનું મકાન ખાલી કરી નાસતાં ફરતાં કાપડ દલાલ અજય રમેશલાલ તોલાની (રહે.એફ/૭૦૨ પેલેડીયમ રેસીડેન્સી, ન્યુ અલથાણ રોડ)ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.