/
ગુજરાતના ખેડૂતોના બાવળામાં એવી તાકાત છે કે તે જગતનું પેટ ભરી શકે

આણંદ : રાજ્યમાં વિવિધ પાંચવિકાસકામોની પંચામૃત ધારા તરીકે ઉજવવાનો સરકારે ર્નિણય કર્યો છે, જેનાં ભાગરૂપે રાજ્યમાં કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત આજે સમગ્ર રાજ્યમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા અર્થે પ્રાકૃતિક કૃષિ કીટમાં ૭૫ ટકા સહાય યોજનાના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

જિલ્લા અગ્રણી મહેશભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોના બાવળામાં એવી તાકાત રહેલી છે કે તે જગતનું પેટ ભરી શકે છે, પરંતુ ભૂતકાળમાં ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં પાણી, ખાતર, વીજળી જેવી આવશ્યક સુવિધાઓ ન મળવાને કારણે કિસાન બાપડો બની ગયો હતો. આજે તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાનોના હિતાર્થે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. કિસાનોને પૂરતાં પ્રમાણમાં પાણી, ખાતર અને વીજળી મળી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે.

પેટલાદ ખાતે યોજાયેલાં સમારોહમાં પૂર્વ મંત્રી સી.ડી. પટેલે કહ્યું હતું કે, જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકારના સઘન પ્રયાસોના ભાગરૂપે આજે ગુજરાતમાં એક નવી પ્રાકૃતિક કૃષિ ખેતીનો અધ્યાય શરૂ કર્યો છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો સંદેશો અન્ય ખેડૂતોને પહોંચાડવા અપીલ કરી હતી.

પેટલાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારે સાત પગલાં ખેડૂત કલ્યાણની વિગતો આપી જિલ્લાના ખેડૂતોને આ યોજનાઓનો વધુને વધુ પ્રમાણમાં લાભ લેવાનું જણાવ્યું હતું. આણંદ અને પેટલાદ ખાતે યોજાયેલાં સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના અંતર્ગત જિલ્લામાંથી આવેલી અરજીઓ પૈકી આજે ૧૫ લાભાર્થીઓને રૂ.૪૦,૫૦૦ની સહાય ચૂકવવામાં આવી હતી. આ જ રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા અર્થે પ્રાકૃતિક કૃષિ કીટમાં ૭૫ ટકા સહાય યોજના હેઠળ જિલ્લામાં આવેલી અરજીઓ પૈકી આજે આણંદ અને પેટલાદ ખાતે ૧૮ લાભાર્થીઓને મંજૂરીના પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. પાત્રતા ધરાવતા બાકીના લાભાર્થીઓને ક્રમશઃ આ સહાયની ચૂકવણી કરવામાં આવશેે. આ પ્રસંગે આણંદ અને પેટલાદ ખાતે ખંભાતના પૂર્વ ધારાસભ્યો સંજયભાઇ પટેલ, અગ્રણી જયંતસિંહ ચૌહાણ, કમલેશભાઇ પટેલ, વિપુલ પટેલ, જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.આર.વી. વ્યાસ, જિલ્લા પંચાયતના સભ્ય અમરસિંહ ઝાલા, નાયબ પશુપાલન અધિકારી ડૉ સ્નેહલ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલ, આત્માના પી.બી. પરમાર, અગ્રણીઓ અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution