ગાંધીનગર-

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો રાજ્યવ્યાપી શુભારંભ આજથી થયો છે. રાજ્યનો એક પણ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર રહી ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને યોગ્ય વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવશે. એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.

મંત્રી આર.સી.ફળદુએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા ખરીફ મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટે તથા વધુ વરસાદ અને પાણી ભરાવવાને કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાન માટે જાહેર કરેલ રાહત પેકેજ હેઠળ ખેડૂતોની નોંધણી 1લી ઓક્ટોબર 2020 થી શરૂ કરાઇ છે. ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ આવેલ ઇ-ગ્રામ કેન્દ્રો પર કરવામાં આવી રહી છે. તેમજ મગફળી ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી કેન્દ્રો ખાતે પણ કરવામાં આવી રહેલ છે. આ બન્ને યોજનાઓ માટે ખેડૂતોએ તેમના ગ્રામ્ય કક્ષાએથી જ નોંધણી થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આથી તમામ ખેડૂતો સ્થાનિક કક્ષાએથી સરળતાથી તેઓની નોંધણી કરાવી શકશે. 

આથી ખેડૂતોએ નોંધણી બાબતે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ છે અને તેનો સમયગાળો પુરતો રાખવામાં આવેલ હોઇ કોઇ પણ ખેડૂત નોંધણીથી વંચિત રહેશે નહિં. જરૂર જણાયે નોંધણીનો સમયગાળો ઓછો માલૂમ પડશે તો તે સમયગાળો લંબાવવા પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.