વડોદરા, તા.૧૮ 

તાજેતરમાં જ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓના પરિણામો જાહેર થયા છે. આ પરીક્ષાઓ આપ્યા બાદ તેમાં ઓછા માર્ક્સ મેળવનાર તેમજ વડસર રોડ પર પોતાના મામાને ઘરે રહેતા અને તાજેતરમાં જ ધોરણ ૧૦ની પરીક્ષા આપ્યા બાદ બે વિષયમાં નાપાસ થનાર ૧૫ વર્ષીય કિશોરે આજે બપોરે હતાશ થઈને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવને પગલે તેના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

દંતેશ્વર વિસ્તારમાં આવેલ એક ખાનગી શાળામાંથી ધોરણ ૧૦ની પરીક્ષા આપનાર શશાંક લક્ષ્મણ પાટીલ(ઉં.વ.૧૫) માતા-પિતાના છૂટાછેડા થયા બાદવડસર રોડ પર આવેલ ગજાનનપાર્કમાં પોતાના મામા મુકેશ પાટિલના ઘરે રહેતો હતો. તાજેતરમાં જ ધોરણ ૧૦ના જાહેર થયેલા પરિણામો દરમ્યાન શશાંક બે વિષયમાં નાપાસ થયો હોવાનું માલૂમ પડતા હતાશ થઇ ગયો હતો. પરિણામો આવ્યા બાદથી જ તે ડિપ્રેશનમાં જકડાઈ ગયો હતો. જે તેના વર્તન પરથી જ જણાઈ આવતું હતું. આ વચ્ચે આજે બપોરના સમયે ઘરના તમામ સભ્યો નીચે હતા,તે સમયે ઉપરના રૂમમાં વાંચવાને બહાને ગયો હતો.

સાંજે ૪ઃ૩૦ વાગે ચા પીવાનો સમય થતા પરિવારના સભ્યો શશાંકને બોલાવવા માટે ઉપરના રૂમમાં ગયા હતા. જ્યા તેને પંખાના હૂક સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈને તેઓ હેબતાઈ ગયા હતા અને બુમરાણ મચાવતા પરિવારના અન્ય સભ્યો પણ દોડીને ઉપર આવી ગયા હતા. બનાવની જાણ માંજલપુર પોલીસમથકને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આભાર - નિહારીકા રવિયા