ગાંધીનગર-

રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ઈંધણ તેલના ભાવમાં વધારા બાદ પ્રજા હવે ખાદ્ય તેલના ભાવ વધારાની સામે પણ ઝઝૂમી રહી છે. આજે સોમવારે ખાધતેલના ભાવ વધારાનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો થયો હતો. ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસું સત્ર દરમિયાન, પ્રથમ દિવસે પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાએ છેલ્લા એક વર્ષમાં સીંગતેલ, કપાસિયા અને પામોલિન તેલમાં ભાવ વધારા વિશે પ્રશ્ન પૂછ્યો હતો. ધારાસભ્યના પ્રશ્નના લેખિત જવાબમાં પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર 2020 થી 31 ઓગસ્ટ 2021 દરમિયાન સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલમાં કિલોએ અનુક્રમે 18, 32 અને 19 રૂપિયાનો કુલ વધારો થયો છે. 15 કિલોના ડબ્બામાં અનુક્રમે 251, 462 અને 286 રૂપિયાનો ભાવ વધારો થયો છે. જો કે સપ્ટેમ્બર 2021માં આ ભાવમાં હજુ પણ વધારો નોંધાયો છે.અન્ન અને પુરવઠા વિભાગે ભાવ વધારા પાછળ કારણ આપતા જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના કપરા સમયમાં ખાદ્યતેલના કાચા માલની અછત, મજૂરોની સમસ્યા, પરિવહનની મુશ્કેલી ઉપરાંત આંતરાષ્ટ્રીય બજારમાં ખાદ્ય તેલ અને તેલીબિયાંના ભાવમાં થતી વધઘટને કારણે ભાવ વધારો થાય છે.