લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, જાન્યુઆરી 2026 |
2277
સુરત રિક્ષામાં મુસાફરી કરતી મહિલાના હાથમાંથી ૧૦.૭ તોલા સોનાનાં દાગીના તથા રોકડ ભરેલી બેગ આંચકી ફરાર થઇ જનારા બદમાશોને પોલીસે ૧૫૦ સીસી કેમેરા થકી પગેરૂ દાબીને દબોચી લીધા છે. આ બે બદમાશોએ મહારાષ્ટ્રનાં જલગાંવ ખાતેની જ્વેલરી શોપમાં વેચેલા ૬૪ ગ્રામ સોનાનાં દાગીના કબજે લેવાયા હતાં. સ્તાનની સ્વપ્ન સૃષ્ટિ રેસિડેન્સીમાં આલોક ઓમપ્રકાશ રાય ગત ૧૩મી જાન્યુઆરીએ તેમની પત્નિ સાથે રીક્ષામાં બેસી રેલ્વે સ્ટેશનથી ભેસ્તાન આવી રહ્યા હતાં. દરમિયાન સિદ્ધાર્થનગરથી નવસારી તરફ જતા રોડ પર આવેલ નવજીવન હોન્ડા શો રૂમ પાસે બે અજાણ્યા ઇસમોએ મોપેડ ઉપર પાછળથી આવી આલોકની પત્નીના હાથમાથી પર્સ ખેંચી નાસી છૂટયા હતા. ઝૂંટવી જવાયેલા પર્સની અંદર ૧૦૭ ગ્રામ સોનાનાં દાગીના, ચાંદીનો સિક્કો તથા રોકડા ૧૫,૦૦૦ હતાં. દસેક લાખ કિંમતની મતા ભરેલું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયેલા બાઇકર્સ અંગે ફરિયાદ મળતાં ભેસ્તાન પોલીસે તુરંત સીસી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી. સર્વેલેન્સ સ્ટાફની અલગ અલગ ટીમોએ ઘટના સ્થળથી લઈ આરોપીઓ જે જે રસ્તાઓ ઉપર ગુનાને અંજામ આપી ભાગ્યા હતા તે દિશામાં લગભગ ૧૫૦ જેટલા સીસી કેમેરા ચેક કર્યા હતાં.જેમાં મળેલી માહિતીના આધારે સ્નેચિંગ કરનારા મોઇન ઉર્ફે બોબડા સરવરખાન પઠાણ અને ખાલીદ ઉર્ફે ભાંજા સાજીદ સૈયદને ઝડપી પાડયા હતા. તેમણે એવી કબૂલાત કરી હતી કે, સોનાના દાગીના લઈને મહારાષ્ટ્રના જલગાવ ખાતે ગયા હતા. જયાં પોતાના ઓળખીતા વ્યક્તિને સાથે લઇ પોતે ધંધામાં નુકસાની આવી ગઈ હોવાનું જુઠાણું ચલાવી નંદુરબારકર શરાફ નામની જવેલર્સ શોપમાં વેચી માર્યા હતા. પોલીસે જ્વેલરને હકીકત જણાવી ૬૪ ગ્રામ દાગીના રીકવર કર્યા હતા.