નવસારી.નવસારીના પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં રવિવારે સાંજે કૃત્રિમ તળાવમાં બોટિંગ કરતી વખતે એકાએક બોટ પલટી હતી. બોટમાં ૧૦ જેટલા લોકો સવાર હતા, ઘટના અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી લાપતા લોકોને શોધવાની કામગીરી હાથ ધરી હતી. જાેકે આ દુર્ઘટનામાં દોઢ વર્ષની બાળકી સહિત ૩ના મોત નીપજ્યાં છે જ્યારે ૩ લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  બનાવ અંગે જાણવા મળતી પ્રાથમિક માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સોલધરાના ઇકો પોઇન્ટમાં શનિ-રવિની રજા માણવા માટે દુરથી સહેલાણીઓ આવતા હોય છે. દક્ષિણ ગુજરાતના આકર્ષણના કેન્દ્ર સમા ઇકો પોઇન્ટમાં દુરલ્ભ પક્ષીઓ પ્રાણીઓ જાેવા મળે છે, આજે રવિવારે અનેક સહેલાણીઓ અહીં આવ્યા હતા. સાંજના સમયે કૃત્રિમ તળાવમાં બોટિંગ કરતી વખતે એક બોટ પલટી ગઇ હતી. જેમાં ૧૦ જેટલા પ્રવાસીઓ બેઠા હતા. બોટ પલટી હોવાની જાણ થતાં પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો છે.