/
ભાજપના મદાંધ નેતાઓની કુરૂપતાથી ત્રસ્ત મ્યુ.કમિ.સ્વરૂપ પી. દ્વારા બદલીની માંગણી

લોકસત્તા વિશેષ : કોર્પોરેશનમાં વહીવટી વડા તરીકે જેની જવાબદારી છે તેવા મ્યુ. કમિશનર વધુ એક વખત પૂર્ણ કાર્યકાળ પૂર્વે જ વડોદરાને અલવિદા કરે તેવી સ્થિતિ ઉભી થઈ છે. શહેર ભાજપ પ્રમુખ એટલે કે સત્તાધારી પક્ષના વડા દ્વારા કોર્પોરેશનના વહીવટી વડા સામે વિરોધી સૂર ઉપાડવા માટે તેમના કોર્પોરેટરોને કરવામાં આવેલા આદેશનો પડધો પડ્યો હોવાનું કહેવાય છે. મ્યુ. કમિશનર સ્વરુપ પી. ભાજપના નેતાઓના ત્રાસથી વડોદરાથી બદલી કરાવવા માટે પ્રયત્નશીલ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેઓ ભાજપના આંતરીક રાજકીય યુધ્ધથી ત્રસ્ત થઈ આ પ્રયત્નો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

લોકસત્તા જનસત્તાને ગાંધીનગર સ્થિત સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર વડોદરા મ્યુ. કોર્પોરેશનના વહીવટી વડા અને કમિશનર સ્વરુપ પી. દ્વારા વડોદરાથી અન્યત્ર બદલી કરાવવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા શહેર ભાજપ અને કોર્પોરેશનના રાજકીય કાવાદાવાથી કંટાળેલા કમિશનરે તેઓના ૩ વર્ષના કાર્યકાળ પૂર્વે જ વડોદરાથી ઉચાળા ભરવાની વિચારણા શરુ કરી દીધી છે. ત્યારે તેઓના આવા પ્રયાસ પાછળ વડોદરા શહેર ભાજપના નેતાઓની આંતરીક લડાઈ ઉપરાંત ચૂંટાયેલી પાંખ અને ભાજપ સંગઠનના કેટલાક નેતાઓની અઘટીત માંગણીઓ કારણભૂત હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છેકે ગત સપ્તાહે સયાજીગંજ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સ્થાયી સમિતિના કામો માટે મળેલી ભાજપની સંકલન સમિતિની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા તેમના જ શાસનમાં તેમની જ સરકાર દ્વારા મુકવામાં આવેલી મ્યુ. કમિશનર કામો નથી કરતા તેમ જણાવી તેઓનો વિરોધ કરવા માટે કોર્પોરેટરોને આદેશ આપ્યા હતા. ત્યારે શહેર ભાજપ પ્રમુખના આદેશ બાદ મ્યુ. કમિશનર બદલી કરાવવા માટેના પ્રયાસ કરી રહ્યા હોવાની વાત વહેતી થતાં ચકચાર મચી ગઈ છે.

ભાજપની ભવાઈઃએક કામ કરવા માટે ફોન કરે તો બીજાે અટકાવવા

શહેર ભાજપમાં ચાલી રહેલી જુથબંધીના કારણે અધિકારીઓની સ્થિતિ પણ દયાજનક બની જતી હોય છે. ભાજપની વડોદરાની પ્રથમ હરોળની નેતાગીરીમાં જાેવા મળતી હકીકત મુજબ કોઈ એક નેતા અધિકારીને ફોન કરી ચોક્કસ કામ કરવા માટે ભલામણ કરતા હોય છે તો સામે છેડે અન્ય નેતા આ કામ અટકાવવા માટે ફોન કરતા હોય છે. આ સ્થિતિમાં ક્યા નેતાની વાત માનવી તેને લઈ અધિકારીઓ અસમંજસની સ્થિતિમાં મુકાતા હોય છે. જેમાં ધણી વખત અધિકારીઓને વ્યક્તિગત નારાજગીનો ભોગ બનવાનો પણ વારો આવતો હોવાનું જાણવા મળ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution