ગીર સોમનાથ-

શ્રાવણ માસની શરૂઆત થઇ છે, ત્યારે મહાદેવના મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે, ત્યારે સોમનાથ મંદિર ખાતે પોલીસ દ્વારા ટોળું વળીને મંદિરની અંદર જવા પ્રયાસ કરતા લોકોને છૂટા પાડવા પ્રયત્ન કરી રહ્યા હતાં. જેમાં એક યુવક પડી જતા તેને પોલીસ ઉપર ગુસ્સો આવ્યો હતો. આ યુવકે પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસ કર્મચારીઓ દ્વારા તેના પર બળપ્રયોગ કરાયો હતો, ત્યારે સોશિયલ ડિસ્ટન્સને લઈને પોલીસ સોમનાથની અંદર કોઈપણ પ્રકારનું જોખમ નથી લેવા માંગતી.

સોમનાથ મંદિરમાં શ્રાવણ માસને ધ્યાને લઈને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે એ માટે મંદિર સવારે 6.00 વાગ્યે ખોલી દેવામાં આવે છે અને સાંજે 9.15 વાગ્યે બંધ કરવામાં આવે છે. જ્યારે સામાન્ય દિવસોમાં મંદિરનો સમય સવારે 7.30થી 11.30 સુધી અને બપોરે 12.30થી સાંજના 6.30 સુધીનો રહે છે. મંગળવારથી ગુજરાત-મહારાષ્ટ્રમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. જેને લઈને સમગ્ર રાજ્યના શિવમંદિરને સુશોભિત કરવામાં આવ્યા છે. શિવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે.