વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ૧૯ વોર્ડની ૭૬ બેઠકોને માટેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ ઉમેદવારોની યાદી ૪થી ના રોજ ગુરુવારે બપોર સુધીમાં એક સાથે જાહેર કરાનાર છે. ત્યારે આ યાદીમાં કોનું નામ આવશે અને કોનું પત્તુ કપાશે એ બાબતને લઈને અટકળો શરુ થઇ ગઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા આ વખતની ચૂંટણીઓમાં કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેને લઈને કેટલાય ટીકીટ વાંછછુઓના સ્વપ્ન એક ઝાટકે રોળાઈ ગયા છે. આ નિયમોમાં સૌથી મોટો ફટકો રાજકીય નેતાઓને લાગ્યો છે કારણ કે તેમના પરિવારના સભ્યોને ટીકીટ આપવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જેઓ ત્રણ ત્રણ વખત પાર્ટીના નિશાન પર ચૂંટાઈને આવ્યા છે. તેઓને પણ ટીકીટ આપવામાં આવશે નહિ એવી જાહેરાત કરાતા પાલિકાના શાસક પક્ષના કેટલાક પૂર્વ વરિષ્ઠ કાઉન્સીલરોનું પત્તુ પણ કપાઈ જનાર છે. આ ઉપરાંત જેઓની ઉમર ૬૦ વર્ષથી વધુ છે. એવા તમામને પણ ટીકીટ આપવામાં આવશે નહિ એવી જાહેરાતને પગલે પણ પાલિકાના ઘણા કાઉન્સિલરોને ટીકીટ મળશે નહિ. આમ આ બધા પરિબળો વચ્ચે કોને ટીકીટ મળશે અને કોનું પત્તુ કપાશે એ બાબતને લઈને ભાજપના કાર્યકરોમાં ગરમા ગરમ ચર્ચાઓ ચાલી રહી છે. હવે બાકી રહેલા લાયક ટીકીટવાંચ્છુઓ પૈકી કોનું પલ્લું ભારે રહેશે કોનું દબાણ કામ આવશે કોના માણસો સૌથી વધુ કપાશે એ બાબતની ચર્ચાઓએ પણ કાર્યકરોમાં જેટલા મોઢા એટલી વાત થઇ રહી છે. ત્યારે હવે ગુરુવારે બપોર સુધીમાં ભાજપના વડોદરા પાલિકાની આગામી ચૂંટણીઓ માટેના મુરતિયાઓમાં કોના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે. એના પર સૌની નજર છે. આ નામો જાહેર થયા પછીથી નારાજ થયેલાઓને મનાવવાને માટે ડેમેજ કંટ્રોલ કરવાને માટે પણ પક્ષ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યાનું સૂત્રોએ જણાવ્યું છે. જેથી આવા નારાજ કાર્યકરોનો સીધો કે આડકતરો ફાયદો હરીફ પક્ષો ઉઠાવી જાય નહિ. આમ શહેર ભાજપ દ્વારા સૌનો સાથ સૂત્રને સાર્થક કરવાના પાલિકાની ચૂંટણીઓમાં તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે.