લોકસત્તા વિશેષ, તા.૩

પેઢીઓની પેઢીઓથી શોષણ અને અન્યાયનો ભોગ બનેલા ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટાના લાખો આદિવાસીઓ-ભીલો તો ખરા જ, પરંતુ પાડોશી રાજ્યોમાં પણ આદિવાસીઓ-ભીલોને સન્માન અને હક્ક અપાવવા જરૂર પડ્યે અલગ ‘ભિલીસ્તાન’ની અમારી માંગને ફરીથી બુલંદ અવાજે ઉઠાવવામાં આવશે અને એ માટે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી અગ્રણીઓનો સંપર્ક કરી આ વિચાર વહેતો મૂકવાનો હું પોતે પ્રયત્ન કરીશ એવો સૂર ડેડિયાપાડાથી જંગી બહુમતી સાથે ચૂંટાયેલા આમ આદમી પાર્ટી-‘આપ’ના શિક્ષિત તેજાબી અને નિર્ભિક ધારાસભ્ય ચૈતર વસાવાએ ‘લોકસત્તા-જનસત્તા’ સાથેની એક મુલાકાત દરમિયાન વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાના રાજકીય ગુરુ ગણાતા આદિવાસી નેતા છોટુ વસાવા સહિતના તમામ રાજકીય પક્ષના આદિવાસી અગ્રણી રાજકારણીઓએ ભૂતકાળમાં આ અંગે પોતાના વિચારો વ્યક્ત કરી અલગ ‘ભિલીસ્તાન’ની માંગણી મૂકી હતી. જાે કે, એ પૈકીના અનેક રાજકારણી નેતાઓ-અગ્રણીઓ વયોવૃદ્ધ થવાને કારણે અથવા તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જવાને કારણે હાલ આદિવાસીઓના મસીહા તરીકે સક્રિય નથી. આ સંજાેગોમાં આદિવાસી નેતાગીરીમાં સર્જાયેલા ભયંકર શૂન્યાવકાશમાં હાલ ઉમરગામથી અંબાજી સુધીના ગુજરાતના સમગ્ર આદિવાસી વિસ્તારમાં શિક્ષિત અને લડાયક મનાતા ચૈતર વસાવા એકમાત્ર બાહુબલી આદિવાસી નેતા તરીકે ઉપસી આવ્યા છે.

શિક્ષિત અને નિર્ભિક યુવા ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી-ભીલોના અગ્રણીઓ નેતાઓ સાથે હું સીધા સંપર્કમાં છું. તેમની સમક્ષ વિચાર મૂકી હું અલગ ‘ભિલીસ્તાન’ અથવા અલગ ‘ભીલપ્રદેશ’ની નિષ્ક્રિય થયેલી માંગણીને ફરીથી સતેજ કરવાનો પ્રયત્ન કરીશ. અલબત્ત, આ તરત થઈ શકે એવું નથી અને ઓછામાં ઓછા ૧૦-૧૫ વર્ષ સતત સંઘર્ષ-લડતના અંતે અને જાે ચારે-ચાર રાજ્યના આદિવાસી નેતાઓ-રાજકારણીઓ પક્ષાપક્ષીથી પર ઊઠી માંગને માત્ર આદિવાસીઓ-ભીલોના એક માત્ર ઉદ્દેશ સાથે એકઠા થાય તો જ એ શક્ય બને એ હું સમજું છું.

એક પ્રશ્નના જવાબમાં ચૈતર વસાવાએ જણાવ્યું કે, જે આદિવાસી-ભીલ કોમના પીઢ અને અનુભવી રાજકીય અગ્રણીઓ-નેતાઓ છે તે તમામના માર્ગદર્શન અને સલાહ-સૂચનો અને ખાસ તો રાજકીય વિચારસરણી ભલે અલગ અલગ હોય પરંતુ કોમના હિત-હક્ક-અધિકાર માટે તેમનો સક્રિય સાથ-સહકાર-ટેકો લીધા વગર આવી માંગણી થઈ શકે નહીં. આ તમામ પીઢ નેતાઓ અગાઉ અલગ ‘ભિલીસ્તાન’ અંગે તેમના વિચારો વ્યક્ત કરી ચૂકયા હોવાથી આ મુદ્દે તેઓ એક છત્ર તળે આવવા રાજી થાય એવી મને સંપૂર્ણ આશા છે એમ ચૈતર વસાવાએ ઉમેર્યું હતું.

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અલગ ‘ભિલીસ્તાન’નો વિચાર જ્યારે વહેતો થયો હતો ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી ક્ષેત્રોના આદિવાસી જિલ્લાઓના એક સમૂહને સાંકળી લેતો એક ‘ભિલીસ્તાન’નો નકશો પણ તે સમયે તૈયાર થયો હતો અને તત્કાલીન આદિવાસી નેતાઓના સર્વસંમતિથી તે આદિવાસીઓમાં સર્વસ્વીકૃત પણ બન્યો હતો. એ નકશો હજી પણ અસ્તિત્વમાં છે અને જાે ‘ભિલીસ્તાન’ની માંગ સંતોષાય તો આદિવાસીઓના એક વિશિષ્ટ રાજ્ય તરીકે એ પ્રદેશ એ નકશા મુજબનો હશે એવો અભિપ્રાય ચૈતર વસાવાએ વ્યક્ત કર્યો હતો.

સરકાર મને ‘નકસલવાદ’ જેવા ખોટા ખોટા કેસોમાં ફસાવે એવી બીક છે ઃ ચૈતર વસાવા

આદિવાસીઓને થતા અન્યાય અને શોષણ સામે લડતા કોઈપણ નેતાઓને ‘નક્સલવાદી’ ચીતરીને શાસક ભાજપ સરકાર તેની રાજકીય કારકિર્દી ખતમ કરવા જેવા અત્યંત શરમજનક અને નીચલી કક્ષાના દાવપેચ સુધી જતાં અચકાતી નથી. મને બીક છે કે આ ભાજપ સરકાર પણ મારી સામે આદિવાસીઓને હક્ક-ન્યાય માટે ઉશ્કેરીને ‘નક્સલવાદ’ ઊભો કરવાના બેબુનિયાદ આરોપો ઊભા કરી મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રપંચ કરશે એવી મને બીક છે.

આમ આદમી પાર્ટી-‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેની તેજાબી ભાષામાં વર્તમાન સરકાર સામે રોષ ઠાલવતાં ઉપરોક્ત જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આમ પણ તેમના એકહથ્થુ શાસનને પડકારી શકે એવી એકમાત્ર ‘આમ આદમી પાર્ટી’ને ગુજરાતમાં પ્રવેશતાં અટકાવવા શાસક ભાજપે આકાશ-પાતાળ એક કર્યાં છતાં હું અને અન્ય ચાર મળી પાંચ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા છીએ, અને એ સરકારી આંખમાં કણાની જેમ ખૂંચે છે.

આ સંજાેગોમાં ચૂંટાયા પછી પણ મને લોભ-લાલચ-ધાકધમકી આપ્યા છતાં હું તેમનો થયો નહીં, તેથી હવે તેઓ તેમની પરંપરા અને સ્વભાવ મુજબ મારી સામે નક્સલવાદી જેવા આરોપો સહિતના ખોટેખોટા કેસો ઊભા કરાવી મને ફસાવવાના પ્રયત્નો કરશે એવી મને મારા સમર્પિત કાર્યકરો અને ખાસ તો મારા લાખો આદિવાસી મતદાર ભાઈ-બહેનોને બીક છે. પરંતુ આ તમામનો મારો આ વિશાળ પરિવાર મારી સાથે છે ત્યાં સુધી હું કોઈથી ડરીશ નહીં અને વેચાઈશ તો ક્યારેય નહીં એવું મક્કમતાપૂર્વક જણાવી પોતે પોતાના આદિવાસી-ભીલ મતદાર પરિવારને સંપૂર્ણપણે સમર્પિત હોવાનો સૂર ચૈતર વસાવાએ દોહરાવ્યો હતો.