અમદાવાદ-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના રસીકરણ માટે સર્વેનું કામ ૬૦ ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે જેમાં ૫૦ વર્ષથી ઉપરના નાગરિકોની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. એએમસી મુજબ કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પહેલા ત્રણ તબક્કામાં અંદાજીત ૧૦ લાખ લોકોને રસી મૂકવામાં આવશે. નગરપાલિકાના અધિકારીઓએ કહ્યું કે ૬૦ ટકા શહેરીજનો પર સર્વે પૂર્ણ થઈ ગયો છે. અંદાજે ૫ લાખ લોકો એવા છે જેઓ ૫૦ વર્ષથી મોટી ઉંમરના છે. જ્યારે બાકીના ૪૦ ટકા શહેરીજનોનો સર્વે હજુ બાકી છે. અધિકારીઓએ કહ્યું કે 'અમને આશા છે કે આગામી ૧૦ દિવસમાં સર્વેનું કામ પૂર્ણ થઈ જશે અને ચોક્કસ આંકડો તેના બાદ જ સામે આવશે પરંતુ અમને લાગે છે કે શહેરમાં ૫૦ વર્ષથી મોટી ઉંમરના શહેરીજનોની સંખ્યા ૯ લાખની આસપાસ રહેશે. આ ઉપરાંત કોર્પોરેશને ૫૦ હજાર હેલ્થકેર કર્મચારીઓ અને ૫૦ હજાર બીજા ફ્રન્ટલાઇન વર્કર્સ જેવા કે પોલીસ અને કોર્પોરેશનના કર્માચારીઓનું લિસ્ટ તૈયાર કર્યું હોવાથી આ લોકો કુલ ૧ લાખ અને વૃદ્ધો ૯ લાખ એમ મળીને શહેરમાં ૧૦ લાખ લોકોને પહેલા ત્રણ તબક્કામાં કોરોના રસી આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, સર્વે દરમિયાન અમને જાેવા મળ્યું કે હાઈએન્ડ સોસાયટીમાં રહેતા લોકો કોરોના રસીકરણ માટે પોતાની નોંધણી કરાવવાથી દૂર રહે છે. નવરંગપુરા, બોડકદેવ, થલતેજ અને જાેધપુર સહિતના વિસ્તારોમાં ઘણા રહેવાસીઓએ પોતાની માહિતી આપવાથી ઇનકાર કરી દીધો છે. જેમ વધુ પોશ એરિયા તેમ માહિતી મેળવવામાં વધુ મુશ્કેલી પડે છે. સર્વે મુજબ અત્યાર સુધીમાં માંડ ૩ ટકા શહેરીજનોએ કોરોના રસીકરણમાં પોતાની નોંધણી કરવાની ના પાડી છે. જે પૈકી ૭૦ ટકા લોકો આવા પોશ વિસ્તારમાંથી છે.