મહારાષ્ટ્ર-

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 14 વધુ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં પહેલેથી જ ડેલ્ટા પ્લસના 21 કેસ નોંધાયા છે. તેમાંથી 80 વર્ષીય વૃદ્ધ મહિલાનું રત્નાગિરિમાં અવસાન થયું હતું. હવે આ નવા 14 કેસ સહિત રાજ્યમાં ડેલ્ટા પ્લસના 35 દર્દીઓ મળી આવ્યા છે. પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(National Institute of Virology, Pune)ના નિષ્ણાંતોએ આ માહિતી આપી છે. મળતી માહિતી મુજબ દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કુલ 66 દર્દીઓ આવી ચુક્યા છે. તેમાંથી 35 મહારાષ્ટ્રમાં મળી આવ્યા છે.

11 રાજ્યોમાં ફેલાયા Delta Plus Variantના દર્દીઓ

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓ અત્યાર સુધી 11 રાજ્યોમાં મળી આવ્યા છે. આ રાજ્યોના નામ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિળનાડુ, પંજાબ, કેરળ, કર્ણાટક, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીર છે. આ સિવાય દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓ હોવાની આશંકા છે.

મંગળવારે (22 જૂન), કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંબંધિત પરિસ્થિતિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. એવી આશંકા છે કે જો દેશમાં ત્રીજી લહેર આવે છે, તો તેનું કારણ કોરોના વાયરસનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ હશે. કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિએન્ટના કારણે વિનાશ સર્જાયો હતો અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ત્રીજી લહેરમાં પાયમાલ કરી શકે છે.

રત્નાગિરી અને જલગાંવ જિલ્લાઓ બની રહ્યા છે ડેલ્ટા પ્લસના ગઢ

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની વધતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોના સમયગાળાના નિયંત્રણો અને નિયમોને વધુ કડક બનાવ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મોટાભાગના દર્દીઓ મહારાષ્ટ્રના રત્નાગિરી અને જલગાંવ જિલ્લામાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે જણાવ્યું હતું કે, "મહારાષ્ટ્રમાં અગાઉ 21 દર્દીઓ મળી આવ્યા હતા. તેમાંથી એક, 80 વર્ષીય મહિલા, રત્નાગિરીમાં મૃત્યુ પામી હતી. પરંતુ તે દાવા સાથે કહી શકાય નહીં કે તેનું મોત ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી થયું છે. તે અન્ય રોગથી પણ પીડાતી હતી અને તેની ઉંમર પણ વધુ હતી. બાકીના 20 ડેલ્ટા પ્લસ દર્દીઓ સાજા થયા છે."