વડોદરાના ૧૪૦૦ રામભક્તો અયોધ્યાની યાત્રાએ

વડોદરા, તા.૯

વડોદરા રેલવે સ્ટેશનથી ૧૪૦૦ જેટલા રામ ભક્તો અયોધ્યામાં રામ મંદિરના દર્શનાર્થે જવા વડોદરા થી વિશેષ આસ્થા ટ્રેનમાં પ્રસ્થાનકર્યું હતું.નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ લીલી ઝંડી બતાવીને વિશેષ ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી. ત્યારે જય શ્રીરામના નારાથી રેલવે સ્ટેશનનો માહોલ ગુંજી ઉઠ્યો હતો. વડોદરા થી અયોધ્યા રવાના થનારા રામભક્તોનું ઢોલ નગારા સાથે સ્વાગત સાથે વાજતે ગાજતે રવાના કરાયા હતા.

અયોધ્યામાં ભગવાન શ્રીરામના નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ હાલ ત્યાં દર્શનાર્થે ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો પહોંચી રહ્યા છે. વડોદરામાં પણ અસંખ્ય રામ ભક્તો દર્શનાર્થે જવા ખૂબ ઉત્સુક છે. આ માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. આજે બપોરે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી વિશેષ આસ્થા ટ્રેન અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી હતી. વડોદરા રેલવે સ્ટેશન ખાતે અયોધ્યા જનાર ૧૪૦૦ જેટલા રામભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી અને મેયર પિન્કિબેન સોનીએ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી.

અયોધ્યા શ્રીરામ મંદિર પ્રવાસના સંયોજક અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેએ જણાવ્યું હતું કે,તમામ રામ ભક્તોનો પાંચ દિવસનો પ્રવાસ અયોધ્યા ખાતેનો રહેશે. તા. ૧૪ના રાત્રીના સમયે રામ ભક્તો વડોદરા પરત આવશે. તેઓ ભગવાન શ્રીરામનો પ્રસાદ લાવશે તે શહેર જિલ્લાની ૧૫૦૦ જેટલી સોસાયટીઓમાં વિનામૂલ્ય તેનું વિતરણ કરાશે.

રામભક્તોને વડોદરા સ્ટેશને થી વિશેષ આસ્થા ટ્રેન દ્વારા પ્રસ્થાન કરાવવા ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપાના પ્રભારી ગોરધન ઝડફીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, પાલિકાના હોદ્દેદારો તેમજ શહેર ભાજપાના મહામંત્રીઓ અને રેલવેના ડીઆરએમ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.