વડોદરા, તા.૧૮

વડોદરા શહેર-જિલ્લાની ૧૦ બેઠકો પર ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ એટલે કે ગુરુવાર સુધી ૧૮૩ ફોર્મ ભરાયાં હતાં. આજે ઉમેદવારીપત્રોની ચકાસણીમાં ડમી ઉમેદવાર, અપક્ષ સહિત ર૬ ઉમેદવારોનાં ૩૭ ફોર્મ રદ થયાં હતાં. જ્યારે ૮૯ ઉમેદવારોના ૧૪૮ ફોર્મ મંજૂર થયાં હતાં, તેમજ બે ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેંચ્યાં હતાં. તા.૨૧મી સોમવારે સાંજે કઈ બેઠક પર કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

વડોદરા શહેર-જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકો પર તા.પમી ડિસેમ્બરે બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે ગુરુવારે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે ૧૮૩ ફોર્મ ભરાયાં હતાં. ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષ-અપક્ષ ઉમેદવારોએ તેમના કાર્યકરો-ટેકેદારો-સમર્થકો સાથે વાજતે-ગાજતે ફોર્મ ભર્યાં હતાં.ગુરુવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ઉમેદવારો કે તેના ચૂંટણી એજન્ટ સહિતની ઉપસ્થિતિમાં ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૧૮૩ ફોર્મ પૈકી ૮૯ ઉમેદવારોનાં ૧૪૮ ફોર્મ મંજૂર થયાં હતાં. જ્યારે રાજકીય એટલે કે ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના ડમી ઉમેદવાર તેમજ કેટલાક અપક્ષ સહિત ર૬ જેટલા ઉમેદવારોનાં ૩૭ ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યાં હતાં.જ્યારે ફોર્મ મંજૂર થયેલા ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ ડભોઈ અને કરજણ વિધાનસભા બેઠકના એક-એક ઉમેદવારે તેમના ફોર્મ પરત ખેંચ્યાં હતાં. ઉમેદવારીપત્રો મંજૂર થયા બાદ હાલ સર્વાધિક ૧૩ ઉમેદવારો અકોટા બેઠક પર અને સૌથી ઓછા ૬ ઉમેદવાર સયાજીગંજ બેઠક પર રહ્યા છે.જાે કે, હજી આવતીકાલે શનિવારે અને સોમવારે બપોરે ૩ વાગ્યા સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. ત્યારે તા.ર૧મી સોમવારે સાંજે વડોદરા શહેર-જિલ્લાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તેની સ્પષ્ટતા થશે. આજે રદ થયેલાં ફોર્મમાં ભાજપ-કોંગ્રેસના ડમી ઉમેદવારો ઉપરાંત જનતાદળ (યૂ)ના, બહુજન સમાજ પાર્ટીના એક-એક અને બે અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

કઈ બેઠક પર

કેટલા ઉમેદવારો

સાવલી ૦૯

વાઘોડિયા ૧૧

ડભોઈ ૧૧

શહેર-વાડી ૦૭

સયાજીગંજ ૦૬

અકોટા ૧૩

રાવપુરા ૦૮

માંજલપુર ૦૯

પાદરા ૦૮

કરજણ ૦૭

સિક્કામાં ડિપોઝિટ

આપનાર આપના ઉમેદવારનું ફોર્મ આખરે સ્વીકારાયું

વડોદરાની સયાજીગંજ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે ૧૦ હજાર રૂપિયાના સિક્કા ડિપોઝિટ પેટે ભર્યા હતા. આજે ફાર્મની સ્ક્રિટિની સમયે આ બેઠક પર ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાના વકીલે આટલી રોકડ મુદ્દે વિરોધ રજૂ કરી ફોર્મ રદ કરવાની રજૂઆત કરી હતી. જાે કે સ્વેજલ વ્યાસે આ અંગે ચૂંટણી અધિકારીઓને રજૂઆત કરી હતી કે, જાે આટલી રકમના સિક્કા લેવા નિયમ પ્રમાણે ન હોય તો તે સમયે જ ના પાડવી હતી. એવું હોય તો તેઓ ૧૦ હજાર ડિપોઝીટ ફરી વધુ કિંમતની ચલણી નોટોથી ભરી આપવા તૈયાર છે. જાેકે, ચૂંટણી અધિકારી દ્વારા સ્વેજલ વ્યાસનું ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યું હતુ.