લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, માર્ચ 2026 |
2574
ગાંધીનગર ગુજરાતમાં નર્સોની ભરતી મુદ્દે ચાલી રહેલા આક્ષેપોને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષમાં રાજ્ય સરકારે કુલ ૧૯૦૩ નર્સોની ભરતી સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટ આધારિત પ્રક્રિયા દ્વારા કરી છે.મંત્રીના જણાવ્યા અનુસાર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે મેરિટ લિસ્ટ જાહેર અને દરેક માટે ઉપલબ્ધ રહે છે. તેથી ભરતી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિની શક્યતા નથી.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વધુમાં જણાવ્યું કે ‘શિવાની’ નામની એક વ્યક્તિએ ખોટો ઓર્ડર બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેના કારણે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ મામલે રાજ્ય સરકારે ગંભીર નોંધ લઈને ૧૪ માર્ચના રોજ બપોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મંત્રીએ જણાવ્યું કે હવે પોલીસ તપાસ દરમિયાન સમગ્ર સત્ય બહાર આવશે.મંત્રી પાનસેરિયાએ કહ્યું કે જાે કોઈ વ્યક્તિ ખોટી માહિતી ફેલાવીને સમાજમાં ગેરસમજ ઊભી કરવાની કોશિશ કરશે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવચેત રહે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે.