વડોદરા, તા. ૧૦

અકોટા સ્ટેડિયમ સામે આવેલી અલકા સોસાયટીના ગામેઠી બંગલામાં ગત મોડી રાત્રે યુવકની બર્થ ડે પાર્ટીની ઉજવણી માટે જામેલી વિદેશી દારૂની મહેફિલ પર ગોત્રી પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બંગલા માલિકના પુત્ર તેમજ ત્રણ યુવતીઓ સહિત ૨૧ ખાનદાની નબીરાઓ દારૂના નશામાં ચુર બનીને ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે રાત્રે તમામ ૨૧ નબીરાઓની ધરપકડ કરી મહેફિલમાં વપરાયેલી વિદેશી દારૂની મોંઘાબ્રાન્ડની ખાલી અને ભરેલી ૧૩ બોટલો સહિત ૧૯.૩૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગોત્રી પોલીસને ગત રાત્રે માહિતી મળી હતી કે અકોટા સ્ટેડિયમ સામે આવેલી અલકા સોસાયટીના ૪ નંબરમાં આવેલા ગામઠી બંગલામાં રહેતા વેપારી વિજય ગીરધારીલાલ શાહના ઘરમાં વિદેશી દારૂની મહેફિલ જામી છે. આ માહિતીના પગલે પોલીસ રાત્રે બે વાગે ગામઠી બંગલામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બંગલાના બીજા માળે તપાસ કરતા હોલમાં યુવક- યુવતીઓ દારૂના નશામાં ચુર બનીને મોટા અવાજે ગીતો પર ડાન્સ કરતા હોવાનું તેમજ અન્ય યુવક યુવતીઓ સોફા પર બેસીને વિદેશી દારૂની તેમજ સોફ્ટ ડ્રીંક્સ અને એનર્જી ડ્રીંક્સની ચુસ્કીઓ મારતા રંગે હાથ ઝડપાયા હતા.

પ્રાથમિક તપાસમાં નબીરાઓ પૈકી સમીર મનસુખ ચૈાહાણની ૧૦મી તારીખે બર્થડે હોઈ તેના મિત્ર અને બંગલામાલિકના પુત્ર વૈભવે તેના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું અને ગત રાત્રે ૧૨ વાગે કેક કટીંગ બાદ શરૂ થયેલી પાર્ટીમાં વિદેશી દારૂની છોળો ઉછળી હતી. મધરાતે જામેલી ડ્રીન્કસ એન્ડ ડાન્સ પાર્ટીમાં પોલીસ બિનબુલાયે મહેમાનની જેમ ત્રાટકતા જ મહેફિલમાં ઝુમતા ખાનદાની નબીરાઓનો નશો પલકવારમાં ઉતરી ગયો હતો. પોલીસે હોલમાં હાજર ૩ યુવતીઓ સહિત ૨૧ નબીરાઓની દારૂબંધીના ગુનામાં ધરપકડ કરી તમામને પોલીસ મથકે લઈ આવી હતી. પોલીસે નબીરાઓ પાસેથી દારૂની બોટલો તેમજ મોબાઈલ ફોન અને વાહનો સહિત ૧૯.૩૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

નબીરાઓએ એટલો દારૂ ઢીંચેલો કે સંતુલન પણ રહેતું ન હતું!

જે બંગલામાં વિદેશી દારૂની મહેફિલ જામેલી તેના માલિક વિજય શાહ પણ ગત રાત્રે બંગલામાં હાજર હતા અને તેમણે જ દરવાજાે ખોલ્યો હતો. બંગલાના બીજામાળે ચાલતી મહેફિલમાં ઝડપાયેલા ૩ યુવતીઓ સહિત તમામ ૨૧ નબીરાઓની પોલીસે બ્રેથ એનાલાઈઝરથી ચકાસણી કરી હતી જેમાં તમામે દારૂનો નશો કર્યો હોવાની વિગતો મળી હતી. એટલું જ નહી બાર વાગે શરૂ થયેલી પાર્ટીમાં બે વાગ્યા સુધીમાં તો યુવતીઓ સહિતના નબીરાઓએ એટલો બધો દારૂ ઢીંચ્યો હતો કે તેઓ પોતાનું નામ-સરનામુ સ્પષ્ટપણે બોલવામાં અસમર્થ હતા અને શરીરનું સંતુલન પણ રાખી શકતા નહોંતા જેથી પોલીસે પકડીને તેઓને ગાડીમાં બેસાડવા પડ્યા હતા.

મહેફિલમાં કોણ કોણ ઝડપાયા ?

ગુંજનબેન સિધ્ધાર્થ મહેતા અને સિધ્ધાર્થ દિપક મહેતા(અર્થ એમ્બ્રોસિયા, સમા-સાવલી રોડ), મેઘાબેન ચંચલ સામંતા (અંશ કોમ્પ્લેક્સ, સમારોડ), પ્રાંજલબેન દેવાંગભાઈ શાહ (અમિતનગર સોસાયટી, કારેલીબાગ), લક્કી પ્રિન્સ ભટ્ટ (શિવાની ફ્લેટ, ગોત્રી), કોમીલ આશિષ હિંગુલ (સંધ્યાનગર સોસાયટી, માંજલપુર), ધૈર્ય ભરતકુમાર જાેષી (હરિકૃપા સોસાયટી, ગોત્રીરોડ), રિયાઝ જમીલએહમદ વોરા (સોદાગર બિલ્ડિંગ, ચાંપાનેર ગેટ), માણીત વિજય શાહ (ગામટી બંગ્લોઝ, અલકા સોસાયટી, અકોટા), કૃણાલ દેવેન્દ્ર ખેરા (ગુલાબવાટિકા સોસાયટી, ઓપી રોડ), સમીર મનસુખ ચૈાહાણ (મંગલમૂર્તિ સોસાયટી, ગોત્રી), ઋષિન રાજેશ પિસોલકર (કુંભારવાડા, શિયાબાગ), નિસીત પંકજ શાહ (પ્રથમ સોસાયટી, અટલાદરા), મિત વિજય પટેલ (અંબાલાલ પાર્ક, માંજલપુર), મોહિત મિલાપચંદ દોષી (ગીરીરાજ બિલ્ડિંગ, એસવીપી રોડ, મુંબઈ), પીન્ટુ મહેન્દ્રસિંઘ ચંદ્રવંશી (ખાનપુરગામ, સેવાસી), મુકેશ શાંતિલાલ ખેર (પરશુરામ ભટ્ટા, સયાજીગંજ), વૈભવ વિજય શાહ (અલકા સોસાયટી, અકોટા સ્ટેડિયમ સામે ), દિપ વિજય શાહ (વલ્લભ કોમ્પ્લેક્સ, ઘડિયાળી પોળ) અને શાહિલ આતિયાર શેખ (હસનપાર્ક, પાદરા)

વિદેશી દારૂની ૧૩ બોટલો મળી છતાં રિમાન્ડ માગ્યા નહીં

ગત રાત્રે મહેફિલમાં પાડેલા દરોડા દરમિયાન રાત્રે બે વાગે નબીરાઓ વિદેશી દારૂની ૧૦ બોટલ ઢીંચી ગયા હતા તેમજ ત્યારબાદ પણ મહેફિલમાં જામ ટકરાવવાનું ચાલું રહ્યું હતું. પોલીસે મહેફિલમાંથી રેડ લેબલ સ્કોચ વ્હિસ્કી, બેલીસ ધ ઓરિજનલ ફીશ ક્રીમ, ધ ગ્લેન વેટ, બકાર્ડી લેમન,બ્રિઝર્સ,સ્મિર્ન ઓફ અને ઈન્ડિયન તામરસ જીનની ૧૩ બોટલો જેમાં ૧૦ ખાલી એક અડધી અને બે સિલબંધ હતી તેમજ નાસ્તાના પડીકા અને એનર્જી અને કોલ્ડ ડ્રીંક્સની બોટલો કબજે કરી હતી. જાેકે મોંઘાભાવની વિદેશી દારૂની બ્રાન્ડેડ ૧૩ બોટલો મળવા છતાં ગોત્રી પોલીસે આટલી બધી બોટલો ક્યાંથી અને કોણ લાવ્યું છે ? તેની તપાસ માટે આરોપીઓના રિમાન્ડ નહી માંગતા પોલીસ કાર્યવાહીએ શંકાઓ ઉપજાવી છે.

ઝડપાયેલા નબીરાઓમાં એક ડેન્ટિસ અને અન્ય વેપારીઓ

પોલીસે ગતરાત્રે ઝડપી પાડેલા યુવાન દંપતી સહિત ૨૧ નબીરાઓમાં વૈભવ વિજય શાહ અને માણીત વિજય શાહ સગા ભાઈઓ છે અને તેઓએ પિતાની હાજરીમાં પોતાના બંગલામાં બર્થડે પાર્ટીમાં મહેફિલ યોજી હતી. આ ઉપરાંત સમીર ચૈાહાણ ડેન્ટીસ હોવાની તેમજ અન્ય નબીરાઓ વેપારીઓ અને નોકરિયાત હોવાની પોલીસને વિગતો સાંપડી હતી.

૧૭ મોબાઈલ, ૪ કાર અને ૩ ટુવ્હીલર જપ્ત

ગામેઠી બંગલોમાં મહેફિલ માણવા માટે નબીરાઓ કાર અને ટુવ્હીલર પર આવ્યા હતા. તેઓની પુછપરછ બાદ પોલીસે નબીરાઓ પાસેથી આઈફોન સહિત ૪.૪૦ લાખની કિંમતના કુલ ૧૭ મોબાઈલ ફોન અને ૩ ટુવ્હીલર સાથે મીત પટેલની જીપ કંપાસ કાર, નીશીત શાહની ફોક્સ વેગન કાર, ધૈર્ય જાેષીની બલેનો કાર અને ગુંજબબેન મહેતાની હોંડા અમેજ કાર સહિત ૧૯,૩૪,૦૮૦ની મત્તા કબજે કરી હતી.

નબીરાઓને છોડાવવા મધરાતે પોલીસ મથકે ટોળેટોળાં જામ્યાં

મધરાતે બે વાગે પોતાના સંતાનો દારૂની મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડી તેેઓને પોલીસ મથકે લઈ ગયાની જાણ થતાં જ નશેબાજ નબીરાઓના વાલીઓ તેમજ મિત્રોના ટોળેટોળે પોલીસ મથકે દોડી ગયા હતા. મોટાભાગના નબીરાઓના વાલીઓ વગદાર હોઈ હોઈ તેઓએ એક તબક્કે પોલીસને આ કેસમાં પોતાના સંતાનોને છોડી દેવા માટે પણ વિનંતી કરી હતી પરંતું પોલીસે કોઈને દાદ આપી નહોંતી. ગત રાતથી આજે બપોર સુધી તમામ ૨૧ નબીરાઓના મેડિકલ ટેસ્ટ, નિવેદનો અને ફીંગરપ્રિન્ટ સહિતની કામગીરી ચાલી હતી અને બપોરે બાદ તમામના પોલીસ મથકમાંથી જ જામીન પર છુટકારો થયો હતો.